લવ સ્ટોરીમાં લવ જેહાદનો ટ‍્વિસ્ટ

04 February, 2023 02:50 PM IST  |  Mumbai | Harsh Desai

અનુરાગ કશ્યપે તેના જોનરથી એકદમ હટકે ફિલ્મ બનાવી છે, પરંતુ તેના વિઝન પર ખરો ઊતર્યો હોય એવું નથી લાગતું : તેણે ડાયલૉગ દ્વારા કમેન્ટ જરૂર કરી છે, પરંતુ તે પહેલાંની જેમ એકદમ એક્સ્ટ્રીમ નથી ગયો

લવ સ્ટોરીમાં લવ જેહાદનો ટ‍્વિસ્ટ

ઑલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત

કાસ્ટ : અલાયા એફ, કરણ મેહરા, વિકી કૌશલ
ડિરેક્ટર : અનુરાગ કશ્યપ
 સ્ટાર:2/5

 

અનુરાગ કશ્યપની ‘ઑલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત’ ગઈ કાલે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં અલાયા એફ અને ડેબ્યુટાન્ટ કરણ મેહરા જોવા મળે છે. અનુરાગ છેલ્લા ઘણા સમયથી હટકે ફિલ્મ બનાવી રહ્યો છે અને તે ફરી એક વાર તેના જોનર બહારની ફિલ્મ એટલે કે એક લવ સ્ટોરી લઈને આવ્યો છે. જોકે આ ફિલ્મ તેણે પોતે લખી છે.

સ્ટોરી ટાઇમ
ફિલ્મમાં બે સ્ટોરી ચાલે છે. એક સ્ટોરી ડૅલહાઉઝીમાં રહેતી સોળ વર્ષની અમ્રિતા અને યાકુબની છે. તો બીજી સ્ટોરી લંડનમાં રહેતી આયશા અને મ્યુઝિશ્યન હરમીતની છે. અમ્રિતા અને આયશા બન્ને પાત્ર અલાયાએ ભજવ્યાં છે. યાકુબ અને હરમીતનાં પાત્ર કરણે ભજવ્યાં છે. અમ્રિતા અને યાકુબ બન્ને ડીજે મોહબ્બતના ફૅન હોય છે. અમ્રિતા સ્કૂલમાં હોય છે અને તે ૨૧ વર્ષના યાકુબની ફ્રેન્ડ હોય છે. અમ્રિતા ડીજે મોહબ્બતની કૉન્સર્ટ જોવા માગતી હોય છે અને એથી તે યાકુબની મદદથી એ કૉન્સર્ટ જોવા માટે ઘરમાંથી ભાગી જાય છે. તેને લાગે છે કે એક અઠવાડિયા માટે ઘરથી દૂર રહેવું એ કંઈ મોટી વાત નથી. તેને લાગે છે કે દુનિયામાં ઘણા પ્રૉબ્લેમ ચાલી રહ્યા છે અને તે થોડા દિવસ ઘરથી દૂર રહેશે તો પણ કોઈ ધ્યાન નહીં આપે. જોકે તે ભાગી ગયા બાદ ખૂબ જ ગંભીર પરિણામ આવે છે. તેઓ ભાગી ગયાં છે એને લવ જેહાદનું નામ આપી દેવામાં આવે છે. જોકે બીજી તરફ લંડનમાં આયશા એક બિલ્યનેર પાકિસ્તાની બિઝનેસમૅનની દીકરીનું પાત્ર ભજવી રહી છે. તે ખૂબ જ પૈસાદાર હોય છે. જોકે તેના પિતા તેના પર કન્ટ્રોલ રાખતા હોય છે. આયશા એક ક્લબમાં મ્યુઝિશ્યન હરમીતના પ્રેમમાં પડે છે. તે એકતરફી પ્રેમમાં પડે છે અને હરમીત તેને હા ન કહે ત્યાં સુધી કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર હોય છે. તે એ માટે ગમે એટલું ખોટું બોલવા પણ તૈયાર હોય છે. જોકે આ બન્ને સ્ટોરી વચ્ચેની લિન્ક છે ડીજે મોહબ્બત. આ પાત્ર વિકી કૌશલે ભજવ્યું છે. જોકે બન્ને સ્ટોરીમાં શું થાય છે એ જોવા માટે ફિલ્મ જોવી રહી.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
ફિલ્મની સ્ટોરી અનુરાગ કશ્યપે લખી છે. તેણે આ સ્ટોરી તેની દીકરી સાથે વાતચીત કર્યા બાદ લખવાનું નક્કી કર્યું હતું. કહેવા માટે આ એક લવ સ્ટોરી છે, પરંતુ એમ છતાં એમાં અનુરાગે તેની ડાર્ક સાઇડ દેખાડી છે. આ ફિલ્મમાં તેણે લવ જેહાદ અને પિતૃત્વ અને હોમોફોબિયા જેવા મુદ્દા પર સવાલ ઉઠાવ્યા છે. અનુરાગની સ્ટોરીનો પ્લસ પૉઇન્ટ એ છે કે બન્ને સ્ટોરીમાં બન્ને છોકરી તેમના ફૅમિલીના પ્રેશરમાં રહેતી હોય છે, પરંતુ એમ છતાં બન્ને છોકરીએ જે કરવું હોય એ કરે છે. તેમણે સાચું કર્યું કે ખોટું કર્યું એના પર તે કોઈ કમેન્ટ નથી કરતો, પરંતુ ફૅમિલી જેટલા પ્રેશરમાં રાખે છે એટલું જ બાળકો એમાંથી વધુ છૂટવાનો પ્રયત્ન કરે છે. આ સાથે જ તેણે ડાયલૉગ પર પણ ઘણું ફોકસ કર્યું છે. તેણે ધર્મ અને અન્ય વસ્તુ પર પણ ડાયલૉગ દ્વારા કમેન્ટ કરી છે. જોકે એક પણ કમેન્ટ એક્સ્ટ્રીમ નથી. અનુરાગની આ સ્ટોરી અને ડિરેક્શનનો માઇનસ પૉઇન્ટ એ છે કે તેણે એને એસ્ટાબ્લિશ કરવામાં ખૂબ જ સમય લીધો છે. પહેલા પાર્ટને ખેંચવામાં આવ્યો હોય એવું લાગે છે. તેમ જ થોડું કન્ફ્યુઝન પણ ઊભું કરે છે. કેટલાંક પાત્ર આવે છે અને અચાનક જ જતાં રહે છે. બીજા પાર્ટમાં એવું જોવા નથી મળતું. જોકે અનુરાગે સ્ટોરીને લઈને જે વિઝન હતું એ પૂરેપૂરું સ્ક્રીન પર જોવા નથી મળ્યું એવું લાગે છે. લવ સ્ટોરી હોવા છતાં પણ ઘણી જગ્યાએ અનુરાગની ડાર્ક સાઇડની ઝલક જોવા મળે છે.

પર્ફોર્મન્સ
અલાયાએ હજી તો કરીઅરની શરૂઆત કરી છે, પરંતુ એમ છતાં તેણે સ્કૂલમાં જતી અમ્રિતાનું પાત્ર સારી રીતે ભજવ્યું છે. તે એકદમ માસૂમ જોવા મળી છે. જોકે તેનું પાત્ર પણ એ રીતે લખવામાં આવ્યું હતું કે તેની પાસે વધુ કરવા માટે પણ કંઈ નહોતું. લંડનમાં આયશાના પાત્રમાં તે જે મૉડર્ન છોકરીના રોલમાં જોવા મળી છે એ પાત્ર તો તેના માટે ખાવાનો ખેલ છે. કરણ માટે મોટી ચૅલેન્જ હતી. જોકે યાકુબના પાત્રમાં તે વધુપડતાં એક્સપ્રેશન આપતો અને હરમીતના પાત્રમાં જ્યાં એક્સપ્રેશન ઑન-પૉઇન્ટ હોવાં જોઈએ એમાં પણ ન આપતો હોય એ રીતનો જોવા મળ્યો હતો. બે સ્ટોરી અને બે પાત્રો બન્ને એકબીજાથી વિરુદ્ધ હોવાં જોઈએ એવું જરૂરી નથી. ‘લવ આજ કલ’માં સૈફ અલી ખાનનાં બન્ને પાત્ર એકબીજાથી એકદમ અલગ હોવા છતાં તેમની વચ્ચે સમાનતા જોવા મળી હતી, જે હતી પ્રેમની. આ બન્ને પાત્રમાં પણ એની અછત જોવા મળી છે. ડીજે મોહબ્બતના પાત્રમાં વિકી કૌશલ જોવા મળ્યો છે. તે જ્યારે પણ આવે છે ત્યારે દિલ ગાર્ડન-ગાર્ડન થઈ જાય છે. ‘મનમર્ઝિયાં’ના તેના પાત્રનું એક્સ્ટેન્શન હોય એવું લાગે છે.

મ્યુઝિક
અમિત ત્રિવેદીએ આ ફિલ્મના મ્યુઝિક પર ખૂબ જ કામ કર્યું હતું. આ આલબમના ગીતના દરેક બોલ આજની જનરેશનને લગતા લખવામાં આવ્યા છે. આમ છતાં એ ‘મનમર્ઝિયાં’ અને ‘દેવ ડી’ અથવા તો ‘બૉમ્બે વેલ્વેટ’ જેવા પણ નથી. આ ફિલ્મનાં ગીત ‘બંજારે’ અને ‘દુનિયા’ સારાં છે, પરંતુ એટલાં નહીં જેટલાં હોવા જોઈતાં હતાં.

આખરી સલામ
કેટલીક ફિલ્મો એવી હોય છે જેને ખાસ કરીને વેબ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવી જોઈએ. એ પણ ત્યારે જ્યારે ‘પઠાન’ જેવી ફિલ્મનું બૉક્સ-ઑફિસ પર તોફાન આવી રહ્યું હોય. કાર્તિક આર્યનની ‘ફ્રેડી’ની જેમ આ ફિલ્મ પણ ઓટીટી પર વધુ સારું પર્ફોર્મ કરી શકી હોત.

 ફાલતુ,   ઠીક-ઠીક, 
 ટાઇમ પાસ, 
 પૈસા વસૂલ, 
  બહુ જ ફાઇન

bollywood news anurag kashyap harsh desai