"ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયાનો વકરો કરે એના કરતાં ૧૦૦ દિલોને સ્પર્શે એ ઇમ્પોર્ટન્ટ"

21 September, 2012 05:13 AM IST  | 

"ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયાનો વકરો કરે એના કરતાં ૧૦૦ દિલોને સ્પર્શે એ ઇમ્પોર્ટન્ટ"



કોઈની ફિલ્મમાંથી ભૂલો કાઢવાનું ટીકાકારોનું કામ છે, પરંતુ અનુરાગ બાસુ પોતાના માટે ખૂબ વધુ કઠિન અભિગમ ધરાવે છે. ‘બર્ફી’ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હોવા છતાં તેમની કઠોર ટીકાની જૂની આદત હજી એવી જ છે. લાગે છે કે અનુરાગને પોતાની ફિલ્મની વાહવાહી કરતાં ટીકામાં જ વધુ કમ્ફર્ટ મહેસૂસ થાય છે, કેમ કે તેનું માનવું છે કે કોઈ ફિલ્મ કદી પરફેક્ટ નથી હોતી. ટીવીના પરદેથી કરીઅરની શરૂઆત કરનાર અનુરાગ બાસુને લાગે છે કે તેની આ લેટેસ્ટ ફિલ્મ નવો બેન્ચમાર્ક બની રહેશે.

શું આ ફિલ્મ ચાર્લી ચૅપ્લિન અને ફ્રેન્ચ સિનેમાના માનમાં હતી?

ફિલ્મસર્જક તરીકે ઘણાબધા લોકો તમને પ્રેરણા પૂરી પાડે છે. હું સિનેમાના જુદા જ યુગમાં જન્મ્યો છું, પણ હું ખરેખર સાઇલન્ટ કે યુરોપિયન સિનેમાનો એવડોમોટો ચાહક નથી. તમે કેટલાક વિચારો ઉધાર લો, પણ સ્ક્રીન પર એવી રજૂઆત કરો કે એ વખણાય.

‘બર્ફી’ જેવી કલરફુલ ફિલ્મ બનાવતી વખતે કઈ ચૅલેન્જ સૌથી મોટી લાગી?

હું કહીશ કે સ્ક્રીનપ્લે, કેમ કે એમાં સંવાદો ઓછા હતા પણ ઇમેજિનેશન વધુ હતું. દરેક પાત્રની અન્યો સાથેની રિલેશનશિપ પણ ખૂબ સ્પષ્ટ હતી. સાદગી પણ જાળવી રાખવાની હતી, કેમ કે એમાં ખૂબબધા ક્રોનોલૉજિકલ સબ-પ્લૉટ્સ સંકળાયેલા હતા, જે કદાચ પ્રવાહને ગૂંચવી નાખે એમ હતા.

રણબીર કપૂરનું રેટિંગ શું કરો?

તે આ જનરેશનનો અદ્ભુત ઍક્ટર છે એવું મને લાગે છે. મને એ વાતની નવાઈ છે કે તેને પોતાને પણ ખબર નથી કે તે કેટલો બ્રિલિયન્ટ છે. પોતાના પર્ફોર્મન્સ બાબતે શંકાશીલ રહેતો હોવાથી પર્ફેક્શન માટે વધુ પુશ કરે છે એ પણ એક રીતે જોવા જઈએ તો તેના માટે સારું જ છે.

અત્યારના હિન્દી સિનેમા વિશે તારું શું મંતવ્ય છે?

આપણે ચોક્કસપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ. મારે બહુ મોટી-મોટી વાતો નથી કરવી, પણ હું કહીશ કે ૨૦ વર્ષ પછી જ્યારે આપણે પાછળ નજર કરીશું ત્યારે આ સમયને હિન્દી સિનેમાનો સોનેરી યુગ કહી શકીશું.

એવું કેમ?

ફિલ્મસર્જકો પહેલાં કદી ન કરવામાં આવ્યા હોય એવા આઇડિયાઝ લઈને આવે છે અને એ માટેનું રિસ્ક ઉઠાવનારા પ્રોડ્યુસરો પણ છે. આપણે હવે સ્વીકારી લીધું છે કે દર્શકો તમામ પ્રકારના હોય છે અને દરેકેદરેક દર્શકને પ્લીઝ કરવાનું અઘરું છે. જો મારી ફિલ્મોથી દર્શકોને મનોરંજન ન મળે તો હું એ મારી અંગત નિષ્ફળતા માનું છું, દર્શકોની નહીં. મારા માટે ૧૦૦ કરોડ રૂપિયાનો વકરો થાય એના કરતાં ૧૦૦ લોકોના દિલને સ્પર્શવાનું અગત્યનું છે.

યંગ-એજમાં તારો રોલ-મૉડલ કોણ હતો?

હું હાલના છત્તીસગઢના એક નાનકડા ગામ ભિલાઈનો છું એટલે મને એ વખતે ક્લાસિક મૂવી જોવા નહોતી મળતી. નાનો હતો ત્યારે મેં કઈ ફિલ્મો જોયેલી એ યાદ કરું તો આંગળીના વેઢે ગણાઈ જાય એમ છે ને તે થોડાક ફિલ્મસર્જકો અત્યારે મારી સાથે છે.