03 October, 2026 01:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેરે શૅર કર્યો ૭૧ વર્ષની ઉંમરે રૉક-ક્લાઇમ્બિંગ કરવાનો અનુભવ
અનુપમ ખેર ૭૧ વર્ષની ઉંમરે પણ એકદમ સક્રિય છે અને તેઓ સોશ્યલ મીડિયા પર પણ ખૂબ ઍક્ટિવ રહે છે. હાલમાં અનુપમે એક વિડિયો શૅર કર્યો છે, જેમાં તેઓ રૉક-ક્લાઇમ્બિંગ કરતા જોવા મળી રહ્યા છે. તેમણે પોતાનો આ અનુભવ પણ શૅર કર્યો છે, જેને જોયા બાદ ચાહકો તેમની પ્રશંસા કરી રહ્યા છે.
અનુપમે સોશ્યલ મીડિયામાં પોસ્ટ શૅર કરી છે. વિડિયોમાં તેઓ એક દીવાલ પર ચડતા જોવા મળી રહ્યા છે. આ સાથે તેમણે કૅપ્શન લખી હતી કે ‘માનવીય જુસ્સાની જીત. ક્યારેક કોઈ પડકારને જોઈને આપણે પ્રયાસ કરતાં પહેલાં જ નક્કી કરી લઈએ છીએ કે આપણે શું નથી કરી શકતા. આજે નૉર્થ કૅરોલિનાના રાલીના એક મૉલમાં હું ૩૫ ફુટ ઊંચી ઇન્ડોર રૉક-ક્લાઇમ્બિંગ વૉલની સામે ઊભો હતો. મેં લોકોને એના પર ચડતા જોયા. મોટા ભાગના લોકો ઉપર સુધી પહોંચી શક્યા નહોતા. જ્યારે ઇન્સ્ટ્રક્ટર હર્મને મને પ્રયાસ કરવા માટે કહ્યું ત્યારે મને શંકા થઈ. આ પછી મને એ છોકરો યાદ આવ્યો જે શિમલામાં પહાડો પર ચડતાં મોટો થયો હતો. મેં વિચાર્યું, ચાલો, પ્રયાસ કરીને જોઈએ; જો હું હવે ૭૧ વર્ષનો છું તો શું થયું? હાર્નેસથી સુરક્ષિત હોવા છતાં મારી મહેનત કે ખચકાટ ઓછાં થયાં નહોતાં. દરેક પગલું મારે જાતે જ ભરવાનું હતું. કોઈ અન્ય સહારો નહોતો. ઉપર જોવું એક વાત હતી, પણ એક પછી એક હોલ્ડ પકડીને ઉપર તરફ આગળ વધવું બીજી વાત હતી. જ્યારે હું ઉપર પહોંચ્યો ત્યારે મને કંઈક જબરદસ્ત કામ કર્યું હોવાનો અદ્ભુત અહેસાસ થયો. મેં મારી જાતને એ જાણવાની તક આપી કે હું હજી પણ શું-શું કરી શકું છું. આને જ માનવીય જુસ્સાની જીત કહેવામાં આવે છે.’