30 May, 2024 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ફ્રાન્સમાં શનિવારે સંપન્ન થયેલા કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં ભારતીય ફિલ્મોની ખૂબ ચર્ચા રહી. પાયલ કાપડિયાની પહેલી ફિલ્મ ‘ઑલ વી ઇમૅજિન ઍઝ લાઇટ’ને ફેસ્ટિવલમાં ગ્રાં પ્રિ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવી છે. તો કલકત્તાની અનસૂયા સેનગુપ્તાને ફિલ્મ ‘ધ શેમલેસ’ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો છે. એ બન્નેની પ્રશંસા કરતાં અનુપમ ખેર કહે છે, ‘વર્તમાનમાં કન્ટેન્ટ ખૂબ અગત્યની છે. હવે દર્શકો કન્ટેન્ટને મહત્ત્વ આપવા માંડ્યા છે. કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં બે અજાણી વ્યક્તિઓને સર્વોચ્ચ સન્માન મળ્યું છે. આ ખૂબ મોટી બાબત કહેવાય. કન્ટેન્ટ અગર અચ્છા હુઆ તો છોટી ફિલ્મ ભી ચલેગી ઔર બડી ભી ચલેગી. મને એવું લાગે છે કે ખોટા દેખાડાનો અંત આવ્યો છે.’
તો સાથે જ ઉત્તર પ્રદેશની ફૅશન-ઇન્ફલુઅન્સર નૅન્સી ત્યાગીને પણ કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર આવવાનું આમંત્રણ મળ્યું હતું. તેની પણ પ્રશંસા કરતાં અનુપમ ખેર કહે છે, ‘પોતાના ડ્રેસ જાતે ડિઝાઇન કરનાર નૅન્સી ત્યાગીને પણ રેડ કાર્પેટ પર જવાનું આમંત્રણ મળ્યું હતું. હવે ક્રીએટિવિટી માટે ઘણા અવસરો છે.’