21 May, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુ અગ્રવાલ
૯૦ના દાયકામાં અન્ડરવર્લ્ડનું બૉલીવુડ સાથેનું જોડાણ હંમેશાં ચર્ચામાં રહ્યું છે. આ મામલે તાજેતરમાં અનુ અગરવાલે મોટો ખુલાસો કર્યો છે. ‘આશિકી’થી બૉલીવુડમાં એન્ટ્રી લેનાર અનુ પહેલી ફિલ્મથી ફેમસ થઈ ગઈ હતી. હાલમાં અનુએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે બૉલીવુડને અન્ડરવર્લ્ડ તરફથી ફન્ડિંગ મળતું હતું અને તેઓ ફિલ્મોમાં રોકાણ કરતા હતા. અનુનો દાવો છે કે આ બધું છૂપી રીતે થતું હતું.
એક ઇન્ટરવ્યુમાં અનુએ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને ‘ગંદો ધંધો’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ‘મને ખબર નથી કે આજે પરિસ્થિતિ કેટલી બદલાઈ છે. એ સમયે બધી ડીલ સીક્રેટ રીતે થતી હતી. એના પર દાઉદ ઇબ્રાહિમ જેવા લોકોનું રાજ હતું. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવતા બધા પૈસા અન્ડરવર્લ્ડમાંથી આવતા હતા. એ સંપૂર્ણપણે અલગ માહોલ હતો. ‘આશિકી’ હિટ થયા બાદ મને શાહરુખ ખાન જેવું સ્ટારડમ મળ્યું હતું. લોકો અન્ય દેશોમાંથી મારું બિલ્ડિંગ જોવા આવતા હતા. એ સમયે મારા માટે એકલું ફરવું કે એકલું રહેવું મુશ્કેલ હતું. મારા બિલ્ડિંગની નીચે મારા ચાહકો ઊભા રહેતા હતા. આ એક પાગલપણું હતું અને હું ત્યાંથી ભાગી ગઈ હતી.’ અનુ અગરવાલ છેલ્લાં ૨૬ વર્ષથી ફિલ્મી દુનિયાથી દૂર છે. ૧૯૯૯માં તેનો ઍક્સિડન્ટ થયો હતો અને તે ફિલ્મી દુનિયાથી દૂર થઈ ગઈ હતી.
કાસ્ટિંગ કાઉચમાં ખરાબ શું છે? : અનુ અગરવાલ
‘આશિકી’ગર્લ અનુ અગરવાલ લાંબા સમયથી બૉલીવુડથી દૂર છે. જોકે હાલમાં અનુએ એક ઇન્ટરવ્યુમાં બૉલીવુડના અનેક મુદ્દા વિશે વાત કરી છે અને કાસ્ટિંગ કાઉચના મુદ્દાની પણ ચર્ચા કરી છે. અનુએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘આપણે આ મામલે શા માટે ઢોંગ કરી રહ્યા છીએ? કાસ્ટિંગ કાઉચ ક્યાં નથી? બૅન્કો અને કૉર્પોરેટ ઑફિસો જેવાં અન્ય પ્રોફેશનલ ક્ષેત્રોમાં પણ એ અસ્તિત્વ ધરાવે છે. દરેક જગ્યાએ કાસ્ટિંગ કાઉચ છે. જ્યારથી જીવન શરૂ થયું ત્યારથી પુરુષ અને સ્ત્રી છે અને બન્ને વચ્ચેનું મિલન બધાં જ ઇચ્છે છે.’
અનુએ કાસ્ટિંગ કાઉચ સાથે સંકળાયેલા નૈતિકતાના મુદ્દા વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘કેટલાક લોકો કહે છે કે આ ખરાબ છે. એમાં ખરાબ શું છે? જ્યારે તમે તમારી સંભાવનાનો ઉપયોગ ન કરો તો એ ખરાબ છે. કાસ્ટિંગ કાઉચ વિશે કારણ વગર વિવાદ ઊભો કરવામાં આવે છે.’