20 August, 2021 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સપ્ટેમ્બરમાં પ્રેમનો વરસાદ
નેટફ્લિક્સ પર ૧૭ સપ્ટેમ્બરે લવ-સ્ટોરી પર આધારિત એન્થોલૉજી ‘અનકહી કહાનિયાં’ રિલીઝ કરવામાં આવશે. આ સ્ટોરીમાં અભિષેક બૅનરજી, ઝોયા હુસેન, કુણાલ કપૂર, નિખિલ દ્વિવેદી, પાલોમી, રિન્કુ રાજગુરુ અને દેલઝાદ હિવાળે જેવા ઍક્ટર્સ જોવા મળશે. રૉની સ્ક્રૂવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ સ્ટોરીને અશ્વિની ઐયર તિવારી, અભિષેક ચૌબે અને સકેત ચૌધરી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ વિશે અશ્વિનીએ કહ્યું હતું કે ‘દરેક સ્ટોરી દ્વારા હું સ્ટોરીટેલર તરીકે પોતાને ચૅલેન્જ આપવા માગું છું. હું દર્શકો અને પાત્રો વચ્ચે એક કનેક્શન બનાવવાની કોશિશ કરું છું જેને કારણે દર્શકોના દિમાગમાં એ ઘણા સમય સુધી રહી શકે. એવાં કેટલાંક ઇમોશન્સ હોય છે જેનો જવાબ આપણને લાઇફમાં નથી મળતો અને એવાં ઇમોશન્સને હું રજૂ કરી શકી હોવાની આશા રાખી રહી છું.’
૧૯૮૦ના દાયકાની સ્ટોરી વિશે અભિષેક ચૌબેએ કહ્યું હતું કે ‘તમે યુવાન હો અને મુંબઈમાં એક પીંજરામાં બંધાયા હો એમ જીવતા હો ત્યારે પ્રેમ તમારા માટે બધું જ હોય છે. આ પ્રેમને ફિલ્મમાં મેળવવાથી વધુ શું હોઈ શકે? આ સ્ટોરી મારા દિલની ખૂબ જ નજીક છે અને દર્શકોને દેખાડવા માટે હું ખૂબ આતુર છું.’