શબાના આઝમી અને સંજીવકુમારની મદદથી અનિલ કપૂરનું હીરો સપનું પુરુ થયું હતુ

10 January, 2020 12:57 PM IST  |  Mumbai | Ashu Patel

શબાના આઝમી અને સંજીવકુમારની મદદથી અનિલ કપૂરનું હીરો સપનું પુરુ થયું હતુ

શબાના આઝમી, સંજીવકુમાર અને અનિલ કપૂર

અનિલ કપૂરે ૧૯૮૩ની ૨૩ જૂને રિલીઝ થયેલી ‘વો સાત દિન’ ફિલ્મથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હીરો તરીકે શરૂઆત કર્યા પછી સાડાત્રણ દાયકામાં તેની કેટલીય હિટ (અને બ્લૉક બસ્ટર ફિલ્મ્સ પણ) આવી ગઈ, પણ સફળ હીરો બનતાં અગાઉ તેણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેના પિતા ફિલ્મો બનાવતા હતા અને મોટો ભાઈ બોની પિતાને મદદ કરતો હતો. અનિલ કપૂર કૉલેજમાં હતો ત્યારે તેના પિતાને હાર્ટ-અટૅક આવ્યો એટલે અનિલે તેના ભાઈ બોની કપૂરના સહાયક બનીને ફિલ્મ પ્રોડક્શનમાં મદદ કરવી પડી હતી.

એ અગાઉ અનિલ કપૂરે પૂના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવવાની પણ કોશિશ કરી હતી, પરંતુ પૂના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની પ્રવેશપરીક્ષામાં તે નાપાસ થયો હતો. એ પછી તેના કુટુંબના થોડા સારા દિવસ આવ્યા ત્યારે તેણે રોશન તનેજાની ઍક્ટિંગ ઍકૅડેમીમાં તાલીમ લીધી હતી. એ પછી અનિલને દક્ષિણના એક જાણીતા ફિલ્મસર્જકની ફિલ્મમાં રોલ મળ્યો, પણ એ ફિલ્મના ડાન્સ-ઑડિશન દરમ્યાન તે પડી ગયો અને એ ફિલ્મ તેણે ગુમાવવી પડી!

છેવટે ‘વો સાત દિન’ ફિલ્મથી તે હીરો બની શક્યો. જોકે એ ફિલ્મ બનાવવા માટે પણ તેના કુટુંબે સંઘર્ષ કરવો પડ્યો હતો. ‘વો સાત દિન’ તામિલ ફિલ્મ ‘અંધા સાત નાટકલ’ ફિલ્મ પરથી બનતી હતી. એ દિવસોમાં પણ અનિલના કુટુંબની સ્થિતિ સારી નહોતી. ‘અંધા સાત નાટકલ’ની હિન્દી રીમેક બનાવવા માટે કપૂરના કુટુંબે રાઇટ્સ માગ્યા ત્યારે ૭૫ હજાર રૂપિયામાં સોદો નક્કી થયો હતો, પણ સાડાત્રણ દાયકા અગાઉ એટલી રકમ પણ અનિલના કુટુંબ પાસે નહોતી. એ વખતે અનિલ કપૂરે સંજીવકુમાર અને શબાના આઝમી પાસે આર્થિક મદદ માગી હતી અને સંજીવકુમાર તથા શબાના આઝમીએ અનિલનું કુટુંબ દક્ષિણની એ ફિલ્મના રાઇટ્સ લઈ શકે એ માટે ૭૫ હજાર રૂપિયા આપ્યા હતા.

‘વો સાત દિન’ ૧૯૮૧માં રિલીઝ થયેલી તામિલ ફિલ્મ ‘અંધા સાત નાટકલ’ની રિમેક હતી. એ ફિલ્મ કે. ભાગ્યરાજે લખી હતી અને એનું ડિરેક્શન પણ કે. ભાગ્યરાજે કર્યું હતું. ડિરેક્ટર બાપુએ એ ફિલ્મ તેલુગુમાં પહેલાં બનાવી હતી અને પછી હિન્દીમાં બનાવી હતી. એ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ અને પદ્‍મિની કોલ્હાપુરે હતાં. ‘વો સાત દિન’ ફિલ્મ માટે શબાના આઝમીએ મદદ કરી હતી અને જોગાનુજોગ એ ફિલ્મમાં સિનેમૅટોગ્રાફી પણ શબાના આઝમીના ભાઈ અને જાણીતા સિનેમૅટોગ્રાફર બાબા આઝમીએ કરી હતી. એ ફિલ્મના પ્રોડ્યુસર તરીકે અનિલ કપૂરના પિતા સુરેન્દ્ર અને કપૂર બોની કપૂરનાં નામ હતાં. આનંદ બક્ષીએ એ ફિલ્મનાં ગીતો લખ્યાં હતાં અને લક્ષ્મીકાંત-પ્યારેલાલે સંગીત આપ્યું હતું.

આ પણ જુઓ : તમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોસ?

બાય ધ વે, એ ફિલ્મના એડિટર હતા એન. ચંદ્રા, જેમણે ૧૯૮૮માં અનિલ કપૂર અને માધુરી દીક્ષિત અભિનીત ‘તેજાબ’ ફિલ્મ બનાવીને તરખાટ મચાવ્યો હતો. એન. ચંદ્રાને ‘વો સાત દિન’ વખતે અનિલ કપૂર સાથે સારા સંબંધ હતા. એ ફિલ્મથી જ અનિલ કપૂર અને સતીશ કૌશિકની દોસ્તી પણ બંધાઈ હતી. એ ફિલ્મમાં સતીશ કૌશિકે એક ફૂલ વેચનારાનો રોલ કર્યો હતો.

shabana azmi anil kapoor bollywood news entertaintment