વતન મોડાસામાં ડિરેક્ટર અનીસ બઝમીને કિંગ જેવો અનુભવ થયો

18 June, 2014 05:54 AM IST  | 

વતન મોડાસામાં ડિરેક્ટર અનીસ બઝમીને કિંગ જેવો અનુભવ થયો


અનીસ બઝમીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું, ‘જે ગામમાં હું નાનપણમાં ફર્યો હતો એ જ ગામ આખું ભેગું મળીને સન્માન કરે એ મારા માટે બહુ મોટી ઘટના હતી. જનરલી મારી આંખમાં આંસુ ક્યારેય આવતાં નથી, પણ એ દિવસે છથી સાત વખત એવું બન્યું હતું કે મારી આંખમાં આંસુ આવી ગયાં હતાં.’

મોડાસાનું નામ બૉલીવુડના નકશા પર મોટું કરી દેનારા અનીસ બઝમીએ પોતાની કરીઅરની શરૂઆત ૧૯૮૮માં ડાયલૉગ-રાઇટર તરીકે કરી હતી અને ‘સ્વર્ગ’, ‘આંખેં’ અને ‘રાજાબાબુ’ જેવી ફિલ્મો લખી હતી. ૧૯૯૫માં અનીસે ‘હલચલ’થી ડિરેક્શન શરૂ કર્યું. અનીસ બઝમીએ કહ્યું હતું, ‘મોડાસાથી જ બધી શરૂઆત થઈ. ત્યાં જ મારો જન્મ થયો અને ત્યાં જ હું મોટો થયો અને એ પછી મુંબઈ આવ્યો. મોડાસામાં જે રીતે સન્માન કરવામાં આવ્યું એણે પુરવાર કર્યું કે મેં મારી કરીઅર દરમ્યાન કંઈક તો એવું કામ કર્યું કે જે માત્ર મને એકને નહીં, મારા વતનના લોકોને પણ ગર્વ આપે છે.’

અનીસ બઝમીના સન્માનની આ ઇવેન્ટમાં કલેક્ટરથી માંડીને પોલીસ-સુપરિન્ટેન્ડન્ટ, ડૉક્ટર, વકીલ, ઇન્કમ-ટેક્સ ઑફિસર અને ગામની એકેક વ્યક્તિ હાજર હતી. અનીસે કહ્યું હતું, ‘મને એવું લાગતું હતું કે જાણે કે હું ગામનો કિંગ હોઉં.’