દરેક સંબંધને નામ આપવું જરૂરી નથી

12 June, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોંકણા સેન શર્મા સાથેની રિલેશનશિપ વિશે ઍક્ટર અમોલ પરાશરે પહેલી વખત કરી સ્પષ્ટતા

કોંકણા સેન શર્મા સાથે ઍક્ટર અમોલ પરાશર

ઍક્ટર અમોલ પરાશર અને કોંકણા સેન શર્મા રિલેશનશિપમાં હોવાની ચર્ચા છે. તેમણે  ૨૦૧૯ની નેટફ્લિક્સ ફિલ્મ ‘ડૉલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’માં સાથે કામ કર્યું હતું અને ત્યારથી જ તેમની વચ્ચે નિકટતા છે. હાલમાં કોંકણાએ અમોલની વેબ-સિરીઝ ‘ગ્રામ ચિકિત્સાલય’ના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી, જેનાથી તેમના ડેટિંગની ચર્ચાએ ફરી વેગ પકડ્યો છે. આ મામલામાં કોંકણાએ હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ અમોલે હવે લિન્ક-અપની અટકળો પર પ્રથમ વખત મૌન તોડ્યું છે.

અમોલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘જુઓ, તમારા જીવનમાં લોકો હોય છે. કોઈની તમે નજીક હો અને કોઈની સાથે તમે વધુ નજીક હો છો. દરેક સંબંધને નામ આપવું જરૂરી નથી. તમે ખુશ, સામેવાળું ખુશ અને ઘરવાળા ખુશ, બસ આટલું જ. મને યાદ છે કે ‘સરદાર ઉધમ’ના શૂટિંગ દરમ્યાન વિકી અને કૅટરિના ડેટ કરી રહ્યાં હતાં. લોકો વારંવાર વિકીને આ સંબંધ સ્વીકારવા માટે દબાણ કરતા હતા પણ વિકીએ એટલું જ કહ્યું હતું કે ‘હું યોગ્ય સમયે આવું કરીશ.’

અમોલ અને કોંકણા વચ્ચે ઉંમરમાં ૭ વર્ષનો તફાવત છે. કોંકણા ૪૫ વર્ષની છે જ્યારે અમોલ ૩૮ વર્ષનો છે. આ પહેલાં ૨૦૧૦માં કોંકણાનાં લગ્ન રણવીર શૌરી સાથે થયાં હતાં અને બન્ને ૨૦૧૫માં અલગ થયાં તેમ જ ૨૦૨૦માં તેમના ડિવૉર્સ થયા. કોંકણા અને રણવીરને ૧૪ વર્ષનો દીકરો હારુન શૌરી પણ છે.

konkona sen sharma amol parashar relationships entertainment news bollywood bollywood news