જન્મદિવસે અમિતાભે જૂના બંગલા પ્રતીક્ષામાં જઈને માતા-પિતાના આશીર્વાદ લીધા

12 October, 2014 05:10 AM IST  | 

જન્મદિવસે અમિતાભે જૂના બંગલા પ્રતીક્ષામાં જઈને માતા-પિતાના આશીર્વાદ લીધા







મીડિયાના મિત્રોએ લાવેલી કેક સાથે અને પછી ફોટોગ્રાફરો તથા પત્રકારો સાથે અમિતાભ બચ્ચન. તસવીરો : રાણે આશિષ


અમિતાભ બચ્ચને પોતાની ૭૨મી વરસગાંઠની સવાર મીડિયા સાથે કેક કાપીને ઊજવી હતી. યોગાનુયોગ આ દિવસે કરવા ચોથનું વ્રત પણ હતું, પરંતુ આ વર્ષે અમિતાભે હેલ્થના કારણસર દર વર્ષની જેમ ઉપવાસ નહોતો રાખ્યો. ઑફિસ તરીકે વપરાતા જુહુના જનક નામના બંગલામાં અમિતાભે પત્રકાર-પરિષદ યોજી હતી જેમાં તેઓ અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કરેલા કેસરી કુરતામાં તાજા અને પ્રફુલ્લિત જણાતા હતા. જન્મદિવસની ઉજવણી વિશે અમિતાભે કહ્યું હતું કે ‘આ દિવસે રાબેતા મુજબ હું મારા પ્રતીક્ષા બંગલે ગયો હતો અને માતા-પિતાના આશીર્વાદ લીધા હતા. મને લાગે છે કે પ્રતીક્ષામાં તેઓ હજી હાજર છે. સામાન્ય રીતે દરરોજ હું કામે જતાં પહેલાં તેમના આશીર્વાદ લઉં છું.’

 સામાન્ય રીતે અમિતાભ કરવા ચોથનું વ્રત રાખતા હોય છે. કરવા ચોથને દિવસે મહિલાઓ પોતાના પતિની ર્દીઘાયુ માટે સૂયોર્દયથી ચંદ્રોદય સુધી ઉપવાસ કરતી હોય છે, પરંતુ આ વર્ષે અમિતાભે ઉપવાસ નહોતો રાખ્યો. ગઈ કાલે તેમણે કહ્યું હતું કે ‘આ વર્ષે હેલ્થના કારણસર મેં ઉપવાસ નથી રાખ્યો. મારે કેટલીક દવાઓ લેવાની છે. મારા કુટુંબની સ્ત્રીસભ્યોએ ઉપવાસ રાખ્યો છે અને રાત્રે તેઓ ઉપવાસ છોડશે. ત્યાર બાદ અમે બધા સાથે રાત્રિભોજન કરીશું.’

અમિતાભને તેમની તંદુરસ્તી અને પ્રફુલ્લિતતાનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે ‘મને આની પાછળના રહસ્યની જાણ નથી. એ માટે તમારે મારાં માતા-પિતાને પ્રશ્ન કરવો જોઈએ. મને લાગે છે કે આ વંશપરંપરાગત છે. આ સાથે જ મારા પ્રશંસકોની શુભેચ્છા મળતાં હું ધન્યતા અનુભવું છું.’