બૉલીવુડને ૧૦૦ ને ૨૦૦ કરોડની ક્લબ અપાવ્યા પછી આમિરની નજર હવે ૩૦૦ કરોડની ક્લબ પર

30 December, 2014 05:43 AM IST  | 

બૉલીવુડને ૧૦૦ ને ૨૦૦ કરોડની ક્લબ અપાવ્યા પછી આમિરની નજર હવે ૩૦૦ કરોડની ક્લબ પર


રાજકુમાર હીરાણીની ફિલ્મ ‘PK’ બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવી રહી છે અને કમાણીના નવા રેકૉર્ડ તરફ અગ્રેસર થઈ રહી છે. ૨૩ ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થયા બાદ ગયા અઠવાડિયે રિલીઝ થયેલી અનુરાગ કશ્યપની ફિલ્મ ‘અગ્લી’ને પ્રેક્ષકોનો સાવ મોળો પ્રતિસાદ મળ્યો છે.

ફિલ્મ-એક્ઝિબિટર રાજેશ થડાણીએ કહ્યું હતું કે ‘ઓપનિંગ વીકએન્ડમાં ‘અગ્લી’એ માત્ર બે કરોડ રૂપિયાનું જ કલેક્શન નોંધાવ્યું છે, આ ફિલ્મ વખણાઈ છે પરંતુ અપેક્ષા પ્રમાણે કલેક્શન નથી થયું. બીજી તરફ આમિર ખાનની ફિલ્મ ‘PK’એ કલેક્શનમાં ૨૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.’

આ વર્ષે અન્ય ફિલ્મોની સરખામણીએ ‘PK’એ બીજા વીકમાં પણ ભરપૂર કમાણી કરી છે. ટ્રેડ-ઍનૅલિસ્ટ અમોદ મહેરાએ કહ્યું હતું કે ‘સેકન્ડ વીકએન્ડમાં ‘PK’એ ૫૩ કરોડનો બિઝનેસ કર્યો છે અને હિન્દી સિનેમાના ઇતિહાસમાં સૌથી ઝડપે ૨૦૦ કરોડ રૂપિયાના કલેક્શનનો રેકૉર્ડ રચી દીધો છે. ‘અગ્લી’ને ક્રિટિક્સે વખાણી છે, પણ દર્શકો ખેંચી લાવવામાં એ નિષ્ફળ રહી છે. જોકે એ લો બજેટ ફિલ્મ હોવાથી મેકર્સને ભારે નુકસાન નહીં થાય. જો એને ‘A’ સર્ટિફિકેટ ન મળ્યું હોત તો એ સૅટેલાઇટ્સ રાઇટ્સમાંથી પણ કમાણી કરી શકત.’

રજનીકાન્તની તામિલ ફિલ્મ ‘લિન્ગા’નું હિન્દી વર્ઝન પણ બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ રહ્યું છે. અમોદ મહેરાએ કહ્યું હતું કે જોકે ‘અગ્લી’ કરતાં ‘લિન્ગા’નું કલેક્શન સારું જ છે.૨૦૧૪ની સફળ ફિલ્મો અને કલેક્શનની આંકડાબાજી આપતાં ફન સિનેમાઝના ઑપરેશન્સ હેડ વિશાલ આનંદે કહ્યું હતું કે ગયા વર્ષે નાતાલ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ધૂમ-૩’ કરતાંયે ‘PK’ બૉક્સ-ઑફિસ પર સફળ રહી છે. રાજેશ થડાણીએ કહ્યું હતું કે નાનાં થિયેટરોમાં ‘PK’નો બિઝનેસ ધીમો હતો, પરંતુ વિવાદમાં આવ્યા બાદ લોકોની આતુરતા વધી છે અને વધુ ને વધુ લોકો આ ફિલ્મ જોવા લાગ્યા છે. એના કારણે આ ફિલ્મ કલેક્શનના નવા રેકૉર્ડ તરફ અગ્રેસર થઈ રહી છે.

ટ્રેડ-ઍનૅલિસ્ટોને લાગે છે કે આમિરની આ ફિલ્મ ટૂંક સમયમાં ૩૦૦ કરોડ રૂપિયાના કલેક્શનનો મૅજિક ફિગર ટચ કરીને નવો રેકૉર્ડ કરશે. ટ્રેડ-ઍનૅલિસ્ટ કોમલ નાહટાએ કહ્યું હતું કે ‘બૉલીવુડમાં આ પહેલાં આમિરની ફિલ્મે જ ૧૦૦ કરોડ રૂપિયાના કલેક્શનનો ફિગર ટચ કર્યો હતો અને ત્યાર બાદ ૨૦૦ કરોડ રૂપિયાનો મૅજિક ફિગર પણ આમિરની ફિલ્મે જ પહેલી વાર ટચ કર્યો હતો. હવે ‘PK’ બૉક્સ-ઑફિસ પર ૩૦૦ કરોડના બિઝનેસનો રેકૉર્ડ નોંધાવશે એવું લાગે છે અને એ પણ આમિરની જ ફિલ્મ છે. આમિર સ્ટારર ‘ધૂમ-૩’એ ગયા વર્ષે જ ૨૮૫ કરોડનો બિઝનેસ કર્યો હતો અને તેની ફિલ્મ ‘PK’ આ વર્ષે આ રેકૉર્ડ તો આ વીકમાં જ બ્રેક કરશે.’