25 June, 2026 10:26 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં અલકા યાજ્ઞિક
હિન્દી સિનેમાનાં સફળ પ્લેબૅક ગાયિકાઓમાંનાં એક અલકા યાજ્ઞિકને ભારતીય સંગીત ક્ષેત્રે અસાધારણ યોગદાન બદલ મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ સમારોહમાં અલકાના સ્વાસ્થ્યને જોઈને તેમના ચાહકોમાં ચિંતા જોવા મળી હતી અને એના જવાબમાં અલકાએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે.
સોશ્યલ મીડિયા પર લખેલી આ પોસ્ટમાં અલકા યાજ્ઞિકે આ પ્રતિષ્ઠિત સન્માન માટે આભાર વ્યક્ત કરીને પોતાના સ્વાસ્થ્યસંઘર્ષ અને સાજા થવાની પ્રક્રિયા વિશે પણ ખુલાસો કર્યો.
અલકાએ લખ્યું છે...
છેલ્લાં બે વર્ષથી હું ચર્ચાના કેન્દ્રથી, જાહેર કાર્યક્રમોથી અને મારી સફરના મોટા ભાગને લોકો સાથે શૅર કરવાથી દૂર રહી છું. તમારામાંથી ઘણા લોકો જાણે છે કે હું સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છું. આ સમગ્ર સમય દરમ્યાન તમારો પ્રેમ, પ્રાર્થનાઓ, સંદેશાઓ અને અડગ સમર્થન દરેક પગલે મારી સાથે રહ્યાં છે.
આજે જ્યારે હું દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક એવા પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણને સ્વીકારવા માટે બહાર નીકળી ત્યારે મારું હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ ગયું હતું. આ સન્માન મને અત્યંત વિનમ્ર બનાવે છે. ભલે આ પુરસ્કાર પર મારું નામ લખાયેલું હોય પણ એટલો જ હક દરેક એવા શ્રોતાનો પણ છે જેણે મારા અવાજને પોતાના જીવનનો ભાગ બનાવ્યો, મારાં ગીતોને પેઢી દર પેઢી જીવંત રાખ્યાં અને સફળતા તેમ જ પડકારોના સમયમાં મારી સાથે ઊભા રહ્યા.
આ ક્ષણ મારા માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે કારણ કે એ માત્ર મારા કાર્યની કદર નથી, એ પ્રેમ, આશા અને અડગ મનોબળમાંથી મળતી શક્તિની યાદ પણ અપાવે છે. હું ધીમે-ધીમે ફરી મારી સફર તરફ પાછી ફરી રહી છું અને આજે હું અહીં માત્ર મારા માટે નહીં પણ એવા દરેક માટે હાજર રહેવા માગતી હતી જે આ સમગ્ર સફરના ભાગીદાર રહ્યા છે.
હું ભારતનાં માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રાલય અને ભારત સરકારનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેમણે મને આ અસાધારણ સન્માનથી નવાજી છે. હું આ સન્માનને અત્યંત વિનમ્રતા અને આદર સાથે સ્વીકારું છું. વર્ષો દરમ્યાન તમે મને આપેલાં ઉષ્મા, સ્નેહ, પ્રાર્થનાઓ અને વિશ્વાસ બદલ તમારો ખૂબ આભાર. હું આ બધું હંમેશાં મારી સાથે રાખીશ. આજે મેં માત્ર એક પુરસ્કાર નથી સ્વીકાર્યો, એવા લાખો લોકોનો પ્રેમ અનુભવ્યો છે જેઓ મારી આ સફરનો અભિન્ન ભાગ રહ્યા છે.