04 April, 2026 01:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલકા યાજ્ઞિક
ટોચની સિંગર અલકા યાજ્ઞિકે ૨૦૨૪માં ખુલાસો કર્યો હતો કે તેને કાનની એક ખાસ બીમારીને કારણે સાંભળવામાં તકલીફ પડી રહી છે અને આને કારણે તે થોડા સમય માટે લોકોથી દૂર રહીને કામમાંથી બ્રેક લેવા માગે છે. અલકાએ છેલ્લે ૨૦૨૪માં રિલીઝ થયેલી ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’માં એ. આર. રહમાનના ગીત માટે અવાજ આપ્યો હતો.
હવે અલકાએ પોતાના સ્વાસ્થ્ય વિશે નવું અપડેટ આપતાં કહ્યું હતું કે હજી પણ હું કાનની સમસ્યાથી પીડાઈ રહી છું. હાલમાં અલકાએ પોતાની કાનની બીમારી સામેના સંઘર્ષ વિશે વાત કરીને પોતાની સમસ્યા વિશે જણાવતાં કહ્યું હતું કે ‘હું આ વિષય પર ખુલ્લેઆમ વાત કરવામાં પહેલાં થોડો સંકોચ અનુભવતી હતી. મને હજી પણ આ સમસ્યા સતાવી રહી છે અને આને કારણે જ કોઈ નવો પ્રોજેક્ટ સ્વીકારી શકતી નથી. સંગીતકારો ક્યારેક મારો સંપર્ક કરે છે, પરંતુ હું હાલમાં તેમની સાથે કામ કરી શકતી નથી.’
શું થયું છે અલકા યાજ્ઞિકને?
૨૦૨૪માં અલકાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ‘એક વાઇરસ ઇન્ફેક્શનને કારણે મને કાનની એક રૅર બીમારી થઈ છે. ફ્લાઇટમાંથી ઊતર્યા બાદ અચાનક મને લાગ્યું કે હું કાંઈ સાંભળી શકતી નથી. આ ઘટનાએ મને સંપૂર્ણપણે ચોંકાવી દીધી હતી. ડૉક્ટરોએ આને ‘સેન્સરી ન્યુરલ હિયરિંગ લૉસ’ તરીકે ઓળખાવ્યું હતું, જે વાઇરસને કારણે થાય છે. આ બીમારીમાં કાનની નસો અસરગ્રસ્ત થાય છે અને એને કારણે સાંભળવાની ક્ષમતા ઘટી જાય છે અથવા બંધ થઈ જાય છે.’
આ બીમારી થયા પછી અલકા યાજ્ઞિકે સોશ્યલ મીડિયા પર લોકોને ઊંચા અવાજના મ્યુઝિક અને હેડફોનના વધારે ઉપયોગથી બચવાની સલાહ આપી છે.