08 September, 2025 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ
તાજેતરમાં આલિયા ભટ્ટની પ્રખ્યાત ડેનિમ બ્રૅન્ડ લિવાઇસ માટે ગ્લોબલ બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પહેલાં આ બ્રૅન્ડની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર દીપિકા પાદુકોણ હતી, પણ હવે તેને આલિયાએ રિપ્લેસ કરી છે. હાલમાં આલિયાએ તેના સોશ્યલ મીડિયા પર આ વાતની જાહેરાત કરી છે જેમાં તે લિવાઇસ ડેનિમ્સમાં સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળે છે. પોતાની પોસ્ટમાં આલિયાએ લખ્યું છે કે ‘લિવાઇસ સાથે જોડાવું એ મારા માટે સન્માનની વાત છે. આ બ્રૅન્ડ સ્ટાઇલ અને આરામનું પ્રતીક છે અને હું એની સાથે મારી યાત્રા શરૂ કરવા માટે ઉત્સાહિત છું.’
જોકે દીપિકાના ફૅન્સને દીપિકાને બદલે આલિયાની પસંદગી ખાસ ગમી નથી અને તેઓ સોશ્યલ મીડિયા પર આલિયાને ટાર્ગેટ કરી રહ્યા છે. તેઓ કહે છે કે દીપિકા હંમેશાં આલિયાથી આગળ રહે છે, પછી એ સ્ટાઇલ હોય કે સિદ્ધિ અને આલિયાથી આ સહન નથી થતું. એક વ્યક્તિએ તો એમ પણ કહી દીધું છે કે આલિયા જબરી ઈર્ષાળુ નીકળી અને દીપિકાનું ગ્લોબલ સ્ટારડમ આલિયા માટે ઈર્ષાનું કારણ બની ગયું છે.