midday

આલિયા ઇન્સ્ટાગ્રામ પર સૌથી પ્રભાવશાળી ઍક્ટર ઇન્ફ્લુએન્સરની યાદીમાં બીજા નંબરે

18 February, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટ્રેસે આ સ્પર્ધામાં ડ્વેઇન જૉનસન અને અમેરિકન સિંગર જેનિફર લોપેઝ જેવાં આંતરરાષ્ટ્રીય આઇકનને પાછળ છોડી દીધાં છે
આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

ઍક્ટ્રેસ આલિયા ભટ્ટે પોતાના શાનદાર અભિનય અને ટૅલન્ટને કારણે બૉલીવુડની ટોચની ઍક્ટ્રેસિસમાં સ્થાન મેળવ્યું છે. આલિયાનો જાદુ બૉલીવુડની સાથે-સાથે હવે ગ્લોબલ સ્તરે પણ છવાઈ ગયો છે. હવે આલિયા ભટ્ટ ઇન્સ્ટાગ્રામ પર સૌથી પ્રભાવશાળી ઍક્ટર ઇન્ફ્લુએન્સર તરીકે બીજા ક્રમે આવી ગઈ છે.

હાઇપઓડિટર નામના ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ પ્લૅટફૉર્મના એક રિપોર્ટ મુજબ આલિયાએ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પોતાની પોઝિશન મજબૂત કરી છે. આ સ્પર્ધામાં આલિયાએ ડ્વેઇન જૉનસન અને અમેરિકન સિંગર જેનિફર લોપેઝ જેવાં આંતરરાષ્ટ્રીય આઇકનને પાછળ છોડી દીધાં છે. આલિયાનું બહુ મોટું ફૅન ફૉલોઇંગ છે અને તેણે પોતાના શાનદાર પર્ફોર્મન્સ, બ્રૅન્ડ કોલૅબરેશન અને સોશ્યલ મીડિયા પ્રેઝન્સ દ્વારા દર્શકોને પોતાની સાથે જોડીને રાખ્યા છે. ફિલ્મો સિવાય પણ તેનો પ્રભાવ ફૅશન અને ડિજિટલ એન્ગેજમેન્ટ જેવાં ક્ષેત્રોમાં પણ છે.

રિપોર્ટ મુજબ, આ લિસ્ટમાં નંબર વન પર અમેરિકન ઍક્ટ્રેસ અને સિંગર ઝેન્ડાયા છે અને આલિયા ભટ્ટનો ક્રમ તેની પાછળ છે. આલિયા આ લિસ્ટમાં રૅન્ક ટૂ પર આવનારી પહેલી ભારતીય સેલિબ્રિટી બની ગઈ છે. આલિયાના ઇન્સ્ટાગ્રામ પર ૮૫ મિલ્યનથી વધુ ફૉલોઅર્સ છે. આલિયા સોશ્યલ મીડિયા પર પણ ખૂબ જ ઍક્ટિવ રહે છે. તે પ્રમોશન બ્રૅન્ડથી લઈને પોતાની વ્યક્તિગત જીવનની માહિતી પણ સોશ્યલ મીડિયા પર ફૅન્સ સાથે શૅર કરે છે.

આલિયા ભટ્ટે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’, ‘રાઝી’ અને ‘આરઆરઆર’ જેવી ફિલ્મોથી લોકોને ખૂબ ઇમ્પ્રેસ કર્યા છે. હવે આવતા સમયમાં આલિયા પતિ રણબીર કપૂર સાથે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’માં જોવા મળશે.

alia bhatt instagram social media bollywood bollywood news bollywood buzz entertainment news