અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ પ્રોડક્શન હાઉસની જાહેરાત કરી

04 March, 2021 01:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ પ્રોડક્શન હાઉસની જાહેરાત કરી

અલી ફઝલ અને રિચા ચઢ્ઢા

બૉલીવુડની ક્યૂટ જોડીમાં જેની ગણના થાય છે તે કપલ અલી ફઝલ અને રિચા ચઢ્ઢા હવે નિર્માતા બની ગયા છે અને તેમણે પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે. પ્રોડક્શન હાઉસ ‘પુશિંગ બટન સ્ટૂડિયો’ હેઠળ તેમણે કામ શરૂ પણ કરી દીધું છે. તેમના બેનર હેઠળ બનનારી પ્રથમ ફિલ્મ ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’ બર્લિનલે સ્ક્રિપ્ટ સ્ટેશનમાં રજુ થવાની છે.

અલી ફઝલ અને રિચા ચઢ્ઢાની નવી કંપની 'પુશિંગ બટન સ્ટુડિયો'નો હેતુ વૈશ્વિક પ્રેક્ષકોને ભારતીય નૈતિકતાની વાર્તાઓ કહેવાનો છે. તેમના બેનર હેઠળ બનનારી પ્રથમ ફિલ્મ ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’નું નિર્દેશન નવોદિત શુચિ તલાટી કરશે. આ ફિલ્મને પ્રતિષ્ઠિત બર્લિનલે સ્ક્રિપ્ટ સ્ટેશનમાં આમંત્રિત કરવામાં આવી છે. 2021માં આમંત્રિત એકમાત્ર ભારતીય સ્ક્રિપ્ટ છે. આ જ વર્ષે જેરુસલેમ સ્ક્રીપ્ટ લેબમાં રજુ થનાર આ એકમાત્ર ભારતીય ફિલ્મ સ્ક્રિપ્ટ હશે. જે જેરૂસલેમ ફિલ્મ ફેસ્ટિવલમાં જુલાઈ મહિનામાં રજૂ કરવામાં આવશે.

‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’ ફિલ્મની વાર્તા ઉત્તર ભાગમાં હિમાલયના પર્વતમાં આવેલી એક બોર્ડિંગ સ્કૂલની છે. તે સોળ વર્ષની મીરાની વાર્તા છે. જેની કામુક અને વિદ્રોહી ઉંમર તેની માતા દ્વારા દબાવી દેવામાં આવે છે. માતા અને દીકરીનો પ્રેમ એ જ આ વાર્તાનું મુખ્ય પાસુ છે. ફિલ્મ વિશે વાત કરતા રિચા ચઢ્ઢાએ કહ્યું હતું કે, શુચિએ બનાવેલું વિશ્વ ક્રૂર અને નિરાશાજનક છે પણ જાણે સંબંધિત છે. આ વાર્તાની માતા સાથે સામાન્ય માતાઓ કનેક્ટ કરી શકશે. આ ફિલ્મને પ્રસ્તુત કરવા માટે અમે બહુ ઉત્સુક છીએ.

ફિલ્મ વિશે વાતચીત કરતા અલી ફઝલે કહ્યું હતું કે, આ પહેલી વાર છે કે જ્યારે હું અને રિચા નિર્માતા તરીકે કોઈ ફિલ્મ માટે એકસાથે કામ કરી રહ્યા છીએ અને અત્યાર સુધીનો અનુભવ ખૂબ જ સુંદર રહ્યો છે. આ અમારી પ્રથમ ફિલ્મ હોવાથી હૃદયની બહુ નજીક છે. હું એટલે પણ ઉત્સાહિત છું કે અમારો સ્ટુડિયો આવી પ્રગતિશીલ સ્ત્રીની વાર્તા લોકો સમક્ષ રજુ કરવાનું છે. અમને આશા છે કે લોકોને આ વાર્તા ગમશે.

ફિલ્મની લેખિકા અને દિગ્દર્શિકા નવોદિતા શુચિ તલાટીની વતા કરીએ તો તે ન્યુયોર્કની ડાયરેક્ટર છે.

bollywood bollywood news entertainment news richa chadda richa chadha ali fazal