08 December, 2025 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`ધુરંધર`માં અક્ષય ખન્ના
રણવીર સિંહની ઍક્શન ફિલ્મ ‘ધુરંધર’ બૉક્સ-ઑફિસ પર ધમાકેદાર દેખાવ કરી રહી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલ કરી રહ્યો હોવા છતાં રહમાન ડકૈતનો રોલ કરી રહેલા અક્ષય ખન્નાએ પોતાની જબરદસ્ત ઍક્ટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મમાં ઘણી જગ્યાએ અક્ષય ખન્ના લીડ ઍક્ટર રણવીર સિંહ કરતાં પણ વધારે દમદાર લાગે છે. જોકે હવે ખબર પડી છે કે ૧૯ માર્ચે રિલીઝ થનારા ફિલ્મના બીજા ભાગ ‘ધુરંધર 2’માં અક્ષય ખન્ના જોવા નહીં મળે કારણ કે અક્ષયે ભજવેલા રહમાન ડકૈતના પાત્રને રણવીર સિંહે ફિલ્મના પહેલા ભાગમાં જ મારી નાખ્યું છે.
‘ધુરંધર’માં પોતાની ઍક્ટિંગથી ચર્ચામાં આવેલા અક્ષય ખન્ના માટે ૨૦૨૫નું વર્ષ જબરદસ્ત રહ્યું. તેને ઔરંગઝેબના રોલમાં ચમકાવતી ‘છાવા’એ ૮૦૦ કરોડથી વધુ કમાણી કરી છે અને હવે ‘ધુરંધર’ પણ સારો દેખાવ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે ‘ધુરંધર’ માટે અક્ષય ખન્નાને અઢી કરોડ રૂપિયા જેટલી ફી મળી છે.