આજે બર્થ-ડે પર કઈ સ્પેશ્યલ અનાઉન્સમેન્ટ કરવાનો છે અક્ષય?

09 September, 2024 08:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચર્ચા છે કે ડૂબતી નૈયાને પાર લગાડવા તે પ્રિયદર્શનના શરણે ગયો છે, આજે હૉરર-કૉમેડી ફિલ્મની જાહેરાત કરશે

અક્ષયકુમાર

તાજેતરના સમયમાં એક પછી એક અનેક ફ્લૉપ ફિલ્મો આપ્યા પછી આજે સત્તાવનમી વર્ષગાંઠ પર અક્ષય કુમાર કંઈક નવી જાહેરાત કરવાનો છે. અક્ષયે આ સંકેત શનિવારે ગણેશ ચતુર્થીના દિવસે આપ્યો હતો. અક્ષયે શનિવારે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો હતો જેમાં દૈત્યનું પ્રતીક દેખાય છે અને છેલ્લે ડરામણું મ્યાઉં સંભળાય છે. આ વિડિયોની સાથે અક્ષયે લખેલું : ગણપતિબાપ્પા મોરયા! એ સંકેત આપવા આનાથી સારો દિવસ શું હોઈ શકે કે તમારી સમક્ષ કંઈક સ્પેશ્યલ આવી રહ્યું છે? આ વાત પરથી પડદો ઊંચકાશે મારા જન્મદિવસે.

ચર્ચા આવી છે કે આજે અક્ષયની એક હૉરર-કૉમેડી ફિલ્મની જાહેરાત થશે. કહેવાય છે કે હિટ ફિલ્મની તલાશમાં અક્ષય પાછો ડિરેક્ટર પ્રિયદર્શનના શરણે ગયો છે. બન્નેએ ૨૦૦૭માં સાથે મળીને સાઇકોલૉજિકલ કૉમેડી-હૉરર મૂવી ‘ભૂલભુલૈયા’ આપી હતી. બન્નેએ છેલ્લે ૨૦૦૯ની ફિલ્મ ‘ખટ્ટા મીઠા’માં સાથે કામ કર્યું હતું. નવી જે હૉરર-કૉમેડીની વાત છે એ બ્લૅક મૅજિકની આસપાસ હશે અને એમાં ત્રણ હિરોઇનો હશે એવી ચર્ચા છે. અક્ષય કુમાર હાલમાં ‘સ્ત્રી 2’માં પણ નાનકડા રોલમાં દેખાયો હતો.

akshay kumar happy birthday bollywood news bollywood gossips bollywood entertainment news