10 June, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
અક્ષયકુમારની લેટેસ્ટ ફિલ્મ ‘હાઉસફુલ 5’ ૬ જૂને રિલીઝ થઈ છે. હાલમાં અક્ષય પોતાની ફિલ્મની રિલીઝ પછીના ફીડબૅક જાણવા માટે બાંદરાના એક થિયેટરમાં ગયો હતો અને તેણે ફિલ્મનો ‘કિલર માસ્ક’ પહેરીને આ ફિલ્મ જોઈને થિયેટરમાંથી બહાર આવતા લોકોના ઇન્ટરવ્યુ લીધા અને તેમનો ફીડબૅક માગ્યો હતો. એ પછી અક્ષયે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ ઇન્ટરવ્યુનો વિડિયો પણ શૅર કર્યો હતો.
અક્ષયે ઇન્ટરવ્યુ લીધો ત્યારે તેણે માસ્ક પહેર્યો હતો એટલે મોટા ભાગના લોકો તેને ઓળખી નહોતા શક્યા. એને કારણે કેટલાકે તેના પ્રશ્નોના જવાબ આપ્યા, જ્યારે અન્ય લોકો અજાણ્યા બનીને તેને અવગણતા જોવા મળ્યા હતા. આ વિડિયોના અંતમાં અક્ષય પકડાઈ જવાની તૈયારીમાં હતો પણ એ પહેલાં ભાગી ગયો.
અક્ષયકુમાર હવે ચમકશે હૉરર-થ્રિલરમાં
અક્ષયકુમાર હાલમાં તેની લેટેસ્ટ રિલીઝ ‘હાઉસફુલ 5’ને કારણે ચર્ચામાં છે. એ ફિલ્મ પછી હવે અક્ષયની આગામી ફિલ્મ વિશે એક મોટી અપડેટ આવી છે. રિપોર્ટ પ્રમાણે અક્ષયે હિન્દી સિનેમાના જાણીતા ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ સાથે હાથ મિલાવ્યા છે જેમણે ૨૦૨૩માં શાહરુખ ખાન સાથે ‘પઠાન’ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મ આપી હતી. આ નવી ફિલ્મ હૉરર-થ્રિલર હશે, જેમાં અક્ષય ઍક્શન અને કૉમેડી પછી ચાહકોને ડરાવતો જોવા મળશે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને અક્ષયે વાર્તામાં રસ દાખવ્યો છે. જોકે હજી સત્તાવાર રીતે આ ફિલ્મની જાહેરાત બાકી છે અને આ ફિલ્મ વિશે નજીકના ભવિષ્યમાં વધુ અપડેટ્સ આવી શકે છે.