અક્ષયકુમારે કૅન્સલ કર્યું હાઉસફુલ ૪નું શૂટિંગ

13 October, 2018 09:20 AM IST  | 

અક્ષયકુમારે કૅન્સલ કર્યું હાઉસફુલ ૪નું શૂટિંગ

બૉલીવુડમાં ચાલી રહેલા #MeToo અભિયાનમાં સાજિદ ખાનનું નામ આવતાં અક્ષયકુમારે ‘હાઉસફુલ ૪’નું શૂટિંગ કૅન્સલ કર્યું છે. તેની ફિલ્મના ડિરેક્ટર અને કો-સ્ટાર વિરુદ્ધ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ મૂકવામાં આવ્યો હોવાથી તેણે શૂટિંગ કૅન્સલ કર્યું છે. અક્ષયકુમાર ઇટલીમાં વેકેશન માણી રહ્યો હતો અને મુંબઈ આવતાંની સાથે જ તેણે આ નિર્ણય લીધો છે. નાના પાટેકર પર તનુશ્રી દત્તાએ ૨૦૦૮માં આવેલી ‘હૉર્ન ઓકે પ્લીઝ’ના ગીતના શૂટિંગ દરમ્યાન છેડતીનો આરોપ મૂક્યો હતો. સાજિદ ખાનની અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરનારી સલોની ચોપડા, રૅચલ વાઇટ અને એક પત્રકાર દ્વારા સાજિદ ખાન પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ સમાચાર અક્ષયકુમારના ધ્યાનમાં આવતાં જ તેણે ફિલ્મનું શૂટિંગ કૅન્સલ કરવા માટે પ્રોડ્યુસરને વિનંતી કરી હતી. શૂટિંગ કૅન્સલ કરવા વિશે પ્રોડ્યુસરને વિનંતી કરતાં અક્ષયકુમારે ટ્વિટર પર શૅર કરેલા સ્ટેટમેન્ટમાં લખ્યું હતું કે ‘હું ગઈ કાલે રાતે (ગુરુવારે) જ મુંબઈ આવ્યો છું અને હું ખૂબ જ ડિસ્ટર્બિંગ ન્યુઝ વાંચી રહ્યો છું. હું ‘હાઉસફુલ ૪’ના પ્રોડ્યુસરને વિનંતી કરું છું કે ઇન્વેસ્ટિગેશન પૂરું થાય ત્યાં સુધી શૂટિંગ કૅન્સલ કરવામાં આવે. આ એવી વસ્તુ છે જેના પર તત્કાલ ઍક્શન લેવામાં આવે. જે પણ વ્યક્તિએ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ કર્યું હોય એ સાબિત થઈ ગયું હોય એવી વ્યક્તિ સાથે હું કામ નહીં કરું અને એનો ભોગ બનેલી વ્યક્તિની વાતને સાંભળવામાં આવે અને તેમને ન્યાય મળે એવી આશા રાખું છું.’

હાઉસફુલ ૪ને સાજિદ ખાન ડિરેક્ટ નહીં કરે

સાજિદ ખાન પર ગઈ કાલે ઘણી મહિલાઓએ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ મૂકતાં તેણે ‘હાઉસફુલ ૪’ને ડિરેક્ટ નહીં કરવાનો નિર્ણય લીધો છે. #MeToo અભિયાનમાં સાજિદ ખાનનું નામ આવતાં અક્ષયકુમારે શૂટિંગ કૅન્સલ કર્યું હતું. સાજિદ ખાન પર બે અભિનેત્રીઓ અને એક પત્રકારે આરોપ મૂક્યો છે. આ વિશે સાજિદ ખાને ટ્વીટ કર્યું હતું કે ‘મારા પર જે આરોપ મૂકવામાં આવ્યો છે એનાથી મારી ફૅમિલી, મારા પ્રોડ્યુસર અને મારા ઍક્ટર્સ પર ખૂબ જ પ્રેશર આવી રહ્યું છે. આ કારણસર હું મારી નૈતિક જવાબદારી ગણીને જ્યાં સુધી સત્ય બહાર નહીં લાવું ત્યાં સુધી ‘હાઉસફુલ ૪’ની ડિરેક્ટરની સીટ છોડું છું. હું મીડિયાને વિનંતી કરું છું કે જ્યાં સુધી સત્ય બહાર ન આવે ત્યાં સુધી કોઈ પણ ચુકાદો ન આપે.’