28 July, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
હાલમાં દિલ્હીમાં ઇન્ડિયા કુટ્યુઅર વીક ચાલી રહ્યું છે. શુક્રવારે આ ઇવેન્ટમાં અન્ય મૉડલ્સની સાથે-સાથે રૅમ્પ પર ૫૭ વર્ષના અક્ષય કુમારે નવાબી લુકમાં રૅમ્પ-વૉક કરીને બધાનાં દિલ જીતી લીધાં હતાં. અક્ષય કુમાર છેલ્લે ૨૦૧૩માં રૅમ્પ પર જોવા મળ્યો હતો અને હવે ૧૨ વર્ષના બ્રેક પછી ફરી રૅમ્પ-વૉક કર્યો હતો. આ ઇવેન્ટમાં અક્ષય કુમાર ડિઝાઇનર ફાલ્ગુની શૅન પીકૉકના ઇન્ડો-વેસ્ટર્ન કલેક્શન માટે શોસ્ટૉપર બનીને રૅમ્પ પર ઊતર્યો. તેણે રૉયલ સ્ટાઇલની સફેદ રંગની શેરવાની પહેરી હતી.
મીડિયા સાથેની વાતચીત દરમ્યાન અક્ષય કુમારે કહ્યું, ‘હું લાંબા સમય બાદ આ રૅમ્પ-વૉક કરી રહ્યો છું. મને યાદ છે ૧૨ વર્ષ પહેલાં પણ મેં આ જ ડિઝાઇનર્સ માટે વૉક કર્યો હતો, અને ફરીથી આવું કરવું મારા માટે સન્માનની વાત છે.’
લીલાં પાન ખાઈને ગુટકાની ટેવ છોડવી જોઈએ
ઇન્ડિયા કુટ્યુઅર વીકમાં રૅમ્પ-વૉક કરતી વખતે અક્ષય કુમારે સ્ટેજની બાજુમાં લાગેલા છોડમાંથી એક લીલાં પાનવાળી નાનકડી ડાળી તોડીને એને હાથમાં રાખીને સ્ટાઇલપૂર્વક રૅમ્પ-વૉક કર્યો હતો. જોકે કેટલાક લોકોએ અક્ષય કુમારની આ સ્ટાઇલને સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરી છે. અક્ષયે એક તબક્કે વિમલ ગુટકાની જાહેરાતમાં કામ કર્યું હતું એટલે એ વાતને યાદ રાખીને કેટલાક લોકો કમેન્ટ કરી રહ્યા છે કે અક્ષયે હાથમાં રાખ્યાં છે એ લીલાં પાન ખાઈને ગુટકાની ટેવ છોડવી જોઈએ.