22 October, 2023 06:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
અક્ષયકુમારે લંડનમાં ‘ખેલ ખેલ મેં’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે વાણી કપૂર, તાપસી પન્નુ, આદિત્ય સીલ અને ઍમી વિર્ક પણ જોવા મળશે. ફિલ્મ વિશે વધુ માહિતી નથી મળી શકી. આ ફિલ્મને મુદસ્સર અઝીઝ ડિરેક્ટ કરશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં એની નાનકડી ક્લિપ અક્ષયકુમારે શૅર કરી છે. એમાં તેના ચહેરા પર સ્માઇલ દેખાઈ રહી છે. આ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી, ‘કૅમેરા રોલ થાય એટલે હું સ્માઇલ કરવાનું ચૂકતો નથી. લંડનમાં ‘ખેલ ખેલ મેં’નું શૂટિંગ શરૂ કર્યું છે. તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.’
‘OMG’માં ભગવાનનો રોલ કરતાં અચકાતો હતો અક્ષયકુમાર
‘OMG’નો ડિરેક્ટર ઉમેશ શુક્લએ જણાવ્યું છે કે અક્ષયકુમાર આ ફિલ્મમાં ભગવાનનો રોલ કરતાં ગભરાતો હતો. ૨૦૧૨માં આવેલી આ ફિલ્મમાં તે ભગવાન કૃષ્ણના રોલમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ આ વર્ષે રિલીઝ થયેલી ‘OMG 2’માં તે ભગવાન શિવની ભૂમિકામાં જોવા મળ્યો હતો. અક્ષયકુમાર સાથે ઉમેશ શુક્લએ અગાઉ પણ કામ કર્યું છે. જોકે તેણે ભગવાનનો રોલ કરવાની ના પાડી હતી એ વિશે ઉમેશ શુક્લએ કહ્યું કે ‘મેં તેની અનેક ફિલ્મોની સ્ટોરી લખી છે. મેં નીરજ વોરા સાથે અસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે. મેં ‘હેરા ફેરી’, ‘આવારા પાગલ દીવાના’, ‘દીવાને હુએ પાગલ’ અને ‘અજનબી’ જેવી અનેક ફિલ્મોની સ્ટોરી લખી છે. એથી તેની સાથેની અનેક ફિલ્મો સાથે હું સંકળાયેલો હતો. હું તેને સતત મળતો હતો. તેને ‘OMG’માં કાસ્ટ કર્યો એ પહેલાંથી હું તેને જાણતો હતો. જોકે પરેશ રાવલજીની અક્ષયકુમાર સાથેની રિલેશનશિપને કારણે હું તેને સરળતાથી મળી શક્યો હતો. અમે જ્યારે અક્ષયભાઈને આ ફિલ્મ વિશે પૂછ્યું તો શરૂઆતમાં તેણે કહ્યું કે ‘આ તો ભગવાનનો રોલ છે, હું ભગવાનનું પાત્ર કેવી રીતે ભજવી શકું? એ વખતે તે ડબલ માઇન્ડ હતો, કારણ કે એ સમયે એક ફિલ્મ હતી જેમાં અમિતાભ બચ્ચન સરે ભગવાનનો રોલ કર્યો હતો પરંતુ એ ફિલ્મ સારી ચાલી શકી નહીં. એથી અક્ષય વિચારતો હતો કે ‘જો બચ્ચન સર ભગવાનનો રોલ ન કરી શક્યા તો હું કઈ રીતે કરી શકીશ?’ જોકે તેણે જ્યારે ‘કાનજી વિરુદ્ધ કાનજી’ જોયું તો તે સારી રીતે સમજી શક્યો હતો. એથી તે આ રોલ કરવા માટે પણ રાજી થઈ ગયો હતો.’