રજનીકાંત બાદ હવે અક્ષય પણ ડિસ્કવરી ચૅનલ પર જોવા મળશે બેયર ગ્રિલ્સ સાથે

31 January, 2020 12:08 PM IST  |  Mumbai

રજનીકાંત બાદ હવે અક્ષય પણ ડિસ્કવરી ચૅનલ પર જોવા મળશે બેયર ગ્રિલ્સ સાથે

અક્ષયકુમાર

રજનીકાંત બાદ હવે અક્ષયકુમાર ડિસ્કવરી ચૅનલ પર ‘ઇન ટુ ધ વાઇલ્ડ વિથ બેયર ગ્રિલ્સ’માં જોવા મળશે. આ અગાઉ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ શો પર આવી ચુક્યા છે. તેમણે ઉત્તરાખંડના જિમ કોર્બેટ નૅશનલ પાર્કમાં શૂટ કર્યું હતું. તાજેતરમાં જ રજનીકાંતે પણ આ શો માટે કર્ણાટકના બાંદીપુર ટાઇગર રિઝર્વ ઍન્ડ નૅશનલ પાર્કમાં શૂટિંગ કર્યું હતું. તો હવે અક્ષયકુમાર પણ મૈસૂર પહોંચી ગયો છે. તે પણ આ શોનું શૂટિંગ કર્ણાટકના બાંદીપુર ટાઇગર રિઝર્વ ઍન્ડ નૅશનલ પાર્કમાં કરવાનો છે. આ શો માટે માત્ર ચાર કૅમેરા અને કુલ ૭ લોકોને દાખલ થવાની પરવાનગી મળી છે. અક્ષયકુમારની પણ ઇચ્છા હતી કે તે એક વખત આ શોમાં આવે અને વાઇલ્ડ લાઇફને નજીકથી માણવાની સાથે જંગલની જિંદગી જીવે.

મિશન મંગલના ડિરેક્ટર જગન શક્તિની સર્જરીનું બિલ અક્ષયકુમારે ચૂકવ્યું હોવાની છે શક્યતા

‘મિશન મંગલ’ના ડિરેક્ટર જગન શક્તિની બ્રેઇન સર્જરીનું બિલ અક્ષયકુમારે ચૂકવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. જગન શક્તિ તેના ફ્રેન્ડના ઘરે ગેટ-ટુગેધરમાં સામેલ થયો હતો. એ દરમ્યાન દલિપ તાહીલ પણ હાજર હતો. એ વખતે જગન શક્તિ અચાનક ઢળી પડ્યો હતો એથી તેને તરત સારવાર આપવા માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સારવાર દરમ્યાન જાણ થઈ કે તેના બ્રેઇનમાં ગાંઠ છે એથી તેની બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી. આ વાતની જાણ અક્ષયકુમારને થતાં તેણે તરત જ તેની ટીમને જગન શક્તિના પરિવાર સાથે સંપર્કમાં રહેવા કહ્યું અને સાથે જ તમામ મેડિકલ બિલ્સ પણ ચૂકવવાની તૈયારી દાખવી હતી. એવું કહેવાય છે કે અક્ષયકુમાર તેની ફિલ્મના ડિરેક્ટર સાથે હંમેશાં સંબંધો સાચવીને રાખે છે. જગન વિશે વધુ માહિતી આપતાં દલિપ તાહીલે કહ્યું હતું કે ‘મેં એવું સાંભળ્યું છે કે અક્ષયકુમાર પહેલી એવી વ્યક્તિ હતી જેને આ સમાચાર મળ્યા હતા. તેણે જગનને ઍડ્‌મિટ પણ કર્યો હતો સાથે જ બધી જવાબદારી પણ ઉઠાવી હતી.’

‘મિશન મંગલ’ના પ્રોડ્યુસર આર. બાલકીએ કહ્યું હતું કે ‘જગનની સર્જરી બાદ તે હવે સ્વસ્થ છે. હવે ગભરાવાની જરૂર નથી.’

akshay kumar rajinikanth bollywood news entertaintment