સારી સ્ક્રિપ્ટ માટે સાવ નવરોધૂપ છું : અક્ષય

28 December, 2014 05:11 AM IST  | 

સારી સ્ક્રિપ્ટ માટે સાવ નવરોધૂપ છું : અક્ષય



રશ્મિન શાહ

જાન્યુઆરીમાં રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘બેબી’ના પૅચવર્ક અને ડબિંગમાં વ્યસ્ત એવા અક્ષયકુમાર પાસે ૨૦૧૫ અને ૨૦૧૬માં ટાઇમ નથી એવી વાતો માર્કેટમાં થતી હોવાથી ગઈ કાલે અક્ષયકુમારે કહ્યું હતું કે ‘હા, આ વાત આમ સાચી છે, પણ એ મીડિયોકર ફિલ્મ માટે છે. સારી સ્ક્રિપ્ટ માટે સાવ નવરોધૂપ છું અને એ કરવા માટે કાયમ તૈયાર જ છું, માગે એ ડેટ્સ અને જે આપે એ પેમેન્ટની ટમ્ર્સ સાથે.’

૨૦૧૫માં અક્ષયકુમારની ‘બેબી’ સૌથી પહેલાં રિલીઝ થશે અને પછી સંજય લીલા ભણસાલીના નિર્માણ હેઠળની ‘ગબ્બર’, કરણ જોહરના નિર્માણ હેઠળની ‘બ્રધર્સ’ અને પ્રભુ દેવાની ‘સિંઘ ઇઝ બ્લિંગ’ રિલીઝ થશે. અક્ષયનું ૨૦૧૬નું વર્ષ પણ અત્યારથી ઑલરેડી લાઇન-અપ થયેલું છે અને એ પછી પણ અક્ષય સારી સ્ક્રિપ્ટ માટે બિલકુલ તૈયાર છે. અક્ષયકુમારે કહ્યું હતું, ‘ફિલ્મોનું લિસ્ટ જોઈને ઘણી વખત ડિરેક્ટર કે પ્રોડ્યુસર અટકી જતા હોય છે, એવું ધારી લેતા હોય છે કે હમણાં ટાઇમ નહીં હોય પણ મારું એવું છે કે સારી સ્ક્રિપ્ટ હોય તો હું બધાં કામમાંથી ટાઇમ કાઢીને પણ એ ફિલ્મ કરીશ. ‘બેબી’ પણ મેં એ જ રીતે કરી છે. ઘણું કામ હાથમાં હતું, પણ સબ્જેક્ટ એવો હતો કે મારે એ કરવો જ હતો. વિપુલ શાહની ‘હૉલિડે’ પણ એવી જ ફિલ્મ હતી, જે મારે કરવી હતી.’

અક્ષયકુમાર સામાન્ય રીતે એક જ પ્રકારના કૅરૅક્ટર કરવાનું અવૉઇડ કરતો હોય છે, પણ અક્ષયના પપ્પા હરિઓમ ભાટિયા આર્મીમાં હતા એટલે અક્ષયને આર્મીમૅન બનવું હંમેશાં ગમ્યું છે. આ વર્ષે અક્ષયે ‘હૉલિડે’માં આર્મી ઑફિસરનું કૅરૅક્ટર કર્યું તો હવે એ ‘બેબી’માં પણ એ જ પ્રકારનું કૅરૅક્ટર કરી રહ્યો છે. અક્ષયે કહ્યું હતું કે હજી પણ આ કૅરૅક્ટરના રોલ મળશે તો હું એ કરવા રેડી જ છું.