17 March, 2026 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમારની ફાઇલ તસવીર
વર્ષોથી બૉલીવુડના સ્ટાર્સના ફૅન્સ વચ્ચે નંબર વન સ્ટાર કોણ છે એ વિશે ચર્ચા થતી રહે છે. હવે આ મુદ્દે અક્ષય કુમારે ખુલ્લેઆમ પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું છે. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે ઍક્ટર છીએ, ઘોડા નથી.
હાલમાં અક્ષયને એક ઇવેન્ટમાં સવાલ કરવામાં આવ્યો કે શું આજે પણ બૉલીવુડમાં ૧૯૭૦ના દાયકાની જેમ નંબર વન અને નંબર ટૂનીની દોડ ચાલે છે કે હવે એનું મહત્ત્વ ઘટી ગયું છે? આ પ્રશ્નના જવાબમાં અક્ષયે સ્પષ્ટ કહ્યું કે નંબર વન, નંબર બે અને નંબર ૩ જેવી બાબતો ઘોડાની રેસ થતી હોય એવી મહાલક્ષ્મી રેસકોર્સ જેવી જગ્યાએ સારી લાગે છે, ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એનો અર્થ નથી.
પોતાની આ વાતને વિગતવાર સમજાવતાં અક્ષયે કહ્યું હતું કે ‘ઘોડાની રેસમાં સમજ પડે કે કયો ઘોડો નંબર ૯ આવ્યો કે નંબર ૧ આવ્યો. અમે ઘોડા નથી, ઍક્ટર છીએ. અમને કામ ઘણું મળે છે અને અમે ઘણું કામ કરીએ છીએ. જો તમે હંમેશાં નંબર વિશે વિચારતા રહેશો તો તમારું સંતુલન ગુમાવી બેસશો. આ રીતે સતત ઉપર જવાની ચિંતા કરતા રહેશો તો જીવનમાં સાચી ખુશી મળતી નથી. ક્યારેક આવી દોડમાં માણસ સંતુલન ગુમાવી બેસે છે અને ખોટા નિર્ણયો લઈ લે છે. જીવનમાં પાણી જેવી સરળતા રાખવી જોઈએ. સારાં કામ કરો, સારું ખાઓ-પીઓ અને જીવનને પ્રેમથી જીવશો તો જીવન સરળતાથી પસાર થઈ જશે. આ જ સૌથી મહત્ત્વની બાબત છે.’