અજય દેવગને ડર ફિલ્મ ઠુકરાવી દીધી હતી!

13 March, 2020 03:26 PM IST  |  Mumbai Desk | Ashu Patel

અજય દેવગને ડર ફિલ્મ ઠુકરાવી દીધી હતી!

અજય દેવગન

યશ ચોપડાએ જ્યારે ‘ડર’ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેમના મનમાં હતું કે કોઈ ટોચના હીરો સાથે એ ફિલ્મ બનાવવી. તેઓ એ ફિલ્મમાં બે હીરોને સાઇન કરવા માગતા હતા, પણ વાસ્તવમાં રાહુલનો રોલ (જે પછી શાહરુખ ખાને કર્યો હતો એ) વિલનનો રોલ હતો અને હીરો તરીકે સની દેઓલે જે રોલ કર્યો એ રોલ પણ યશ ચોપડાએ પહેલાં અનેક અભિનેતાઓને ઑફર કર્યો હતો, પણ અનેક અભિનેતાઓને એ રોલમાં રસ પડ્યો નહોતો અથવા તો તેઓ નેગેટિવ રોલ કરીને પોતાની ઇમેજ બગાડવાનું જોખમ લેવા નહોતા માગતા.

‘ડર’ની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ એ પછી યશ ચોપડાએ અજય દેવગનનો સંપર્ક કર્યો. અજયે એ ફિલ્મની સ્ટોરી સાંભળીને તેમને ખરાબ ન લાગે એ રીતે સારા શબ્દોમાં ના પાડી દીધી કે હું વ્યસ્તતાને કારણે આ ફિલ્મ નહીં કરી શકું.

એ અગાઉ અજયની ‘ફૂલ ઔર કાંટે’ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી હતી અને એ ફિલ્મથી તે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં અને પ્રેક્ષકોમાં છવાઈ ગયો હતો. કુકુ કોહલીએ ડિરેક્ટ કરેલી અને દિનેશ પટેલે પ્રોડ્યુસ કરેલી ઇકબાલ દુરાની લિખિત ‘ફૂલ ઔર કાંટે’ ૧૯૯૧ની ૨૨ નવેમ્બરે રિલીઝ થઈ હતી અને ત્રણ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી એ ફિલ્મે એ સમયમાં અધધધ થઈ જવાય એવો ૧૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. એ ફિલ્મમાં અમરીશ પુરી, અરુણા ઈરાની અને જગદીપ જેવા થોડા જાણીતા ચહેરાઓ હતા જેમનાં નામ પર ફિલ્મ ચાલી શકે એમ નહોતી, પણ અજય દેવગન અને મધુ જેવાં નવોદિત હીરો-હિરોઇન હોવા છતાં એ ફિલ્મ બ્લૉકબસ્ટર સાબિત થઈ અને નદીમ શ્રવણનું મ્યુઝિક પણ સુપરહિટ થઈ ગયું. એ ફિલ્મનું માત્ર બૉક્સ-ઑફિસ કલેક્શન જ ૧૨ કરોડ રૂપિયાનું હતું. એ ફિલ્મ પછી ૧૯૯૨માં અજય દેવગનની જિગર, દિવ્યશક્તિ, પ્લૅટફૉર્મ અને સંગ્રામ જેવી ફિલ્મો આવી હતી અને એ ફિલ્મો પણ સારી ચાલી હતી. એ સફળતાને કારણે અજય દેવગનને ધડાધડ અનેક ફિલ્મોની ઑફર મળવા લાગી હતી અને અજય એ દરમ્યાન ખરેખર શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયો હતો.

એવી સ્થિતિમાં અજયે ‘ડર’ ફિલ્મ સાઇન કરવાની ના પાડી દીધી હતી. એ પછી અન્ય કેટલાક હીરોએ પણ એ ફિલ્મમાં હીરો બનવાની ના પાડી દીધી અને શાહરુખે કર્યો હતો એ રોલ પણ અનેક અભિનેતાઓએ ઠુકરાવ્યો હતો. અજયે ઠુકરાવી દીધેલી એ ફિલ્મ શાહરુખ ખાનને મળી અને ફળી પણ ખરી. એ ફિલ્મથી શાહરુખ ખાનનું વજન બૉલીવુડમાં ખાસ્સું વધી ગયું અને અજય દેવગન તથા બીજા ઘણા હીરોથી તે ઘણો આગળ નીકળી ગયો હતો.

‘ડર’ ફિલ્મ વિશે આવી બીજી ઘણી રસપ્રદ વાતો છે એના વિશે પછી વાત કરીશું.

bollywood bollywood news ajay devgn ashu patel bollywood gossips darr