આમિર ખાનને કોઈ શું કામ નથી પૂછતું કે તું વર્ષમાં માત્ર એક જ ફિલ્મ કેમ કરે છે? : રાની

09 October, 2012 05:49 AM IST  | 

આમિર ખાનને કોઈ શું કામ નથી પૂછતું કે તું વર્ષમાં માત્ર એક જ ફિલ્મ કેમ કરે છે? : રાની




૩૪ વર્ષની રાની મુખરજીની લેટેસ્ટ ફિલ્મ ‘ઐયા’ આ શુક્રવારે રિલીઝ થવાની છે. છેલ્લી ફિલ્મ ‘નો વન કિલ્ડ જેસિકા’ના બહુ લાંબા અંતરાલ પછી રાની ફિલ્મી પડદે દેખાવાની છે. આ ફિલ્મમાં તે સાઉથના સુપરસ્ટાર પૃથ્વીરાજ સાથે જોવા મળશે. રાની પોતાની આ ફિલ્મ વિશે બહુ ઉત્સાહી છે અને એ વિશે તેણે ‘મિડ-ડે’ સાથે ખાસ વાત કરી હતી.

તારી છેલ્લી ફિલ્મ ‘નો વન કિલ્ડ જેસિકા’ની રિલીઝને બહુ સમય થઈ ગયો તો પછી ‘ઐયા’ને તારી કમબૅક ફિલ્મ કહી શકાય?

ના, હું એને કમબૅક ફિલ્મ નહીં કહું. આમિર ખાન વર્ષમાં એક જ ફિલ્મ કરે છે તો તેને તો કોઈ નથી પૂછતું કે ‘તલાશ’ તેની કમબૅક ફિલ્મ છે? દોઢ વર્ષમાં મારી બે ફિલ્મો રિલીઝ થઈ છે. આ સમસ્યાનું મૂળ એ છે કે ઇન્ડસ્ટ્રીને લાગે છે કે હીરો તેના રોલ માટે તૈયારી કરવા માટે લાંબો સમય લઈને ફિલ્મ કરે તો એ યોગ્ય છે, પણ હિરોઇન માટે નિયમો જુદા છે. મને લાગે છે કે આ માનસિકતા બદલવાની જરૂર છે.

તને ક્યારેય હિરોઇન તરીકે અસલામતીની લાગણી થઈછે?

પહેલાં તો હું કોઈ અસલામત વ્યક્તિ અથવા તો અસલામતી અનુભવતી હિરોઇન નથી. હું મારા પ્રતિસ્પર્ધી કોણ છે એના પર નજર નથી રાખતી, પણ મારા ચાહકો પ્રત્યેની મારી જવાબદારીથી પૂરેપૂરી સભાન છું. મારા પર તેમને સરપ્રાઇઝ કરવાની જવાબદારી છે. હું તેમને નિરાશ કરવા નથી માગતી એટલે મારે ફિલ્મની પસંદગીમાં બહુ ધ્યાન રાખવું પડે છે. ક્યારેક મારી પસંદગી દર્શકોને ગમે છે અને ક્યારેક નથી પણ ગમતી.

તું બહુ સમજી-વિચારીને ફિલ્મોની પસંદગી કરે છે?

મને લાગે છે કે દરેક કલાકાર પાસે ફિલ્મની પસંદગી કરવાનો પાવર હોવો જોઈએ. તમે તમને જે ઑફર થાય એ બધામાં તો કામ ન કરી શકોને. ઉદાહરણ તરીકે સચિન તેન્ડુલકર બધી જ મૅચોમાં તો ન રમી શકેને. હું એક ફિલ્મને ૧૨૦થી ૧૫૦ દિવસ આપું છું એટલે યોગ્ય હોય એવી જ ફિલ્મની પસંદગી કરુંને. હું આ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લાં ૧૭ વર્ષથી છું એટલે હવે માત્ર દમદાર રોલ જ કરવા માગું એ શું યોગ્ય નથી? હવે રોલ મારા માટે ચૅલેન્જિંગ હોય એ જરૂરી છે અને હું મારા માટે એવી સ્ક્રિપ્ટની જ શોધ કરી રહી છું.

આ ફિલ્મમાં મહારાષ્ટ્રિયન છોકરીનો તારો રોલ કઈ રીતે અલગ છે?

મારી ફિલ્મ ‘નો વન કિલ્ડ જેસિકા’ના છેલ્લા દિવસે મને અનુરાગ કશ્યપનો ફોન આવ્યો હતો અને તેમણે મને કહ્યું હતું કે મારી પાસે તારા માટે એક બહુ સરસ ઑફર છે. તેમણે એક લાઇનમાં ફિલ્મ વિશે વાત કરતાં કહ્યું કે આ ફિલ્મમાં એક મહારાષ્ટ્રિયન છોકરી સાઉથ ઇન્ડિયન છોકરાની સ્મેલથી તેના પ્રેમમાં પડી જાય છે. પછી મેં તેમને સવાલ કર્યો કે શું તમે આ ફિલ્મ ડિરેક્ટર કરી રહ્યા છે ત્યારે તેમણે કહ્યું કે ના, પણ પ્રોડ્યુસ કરી રહ્યો છું.

તારું મરાઠી કેવું છે?

મારો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો છે એટલે હું મરાઠી બહુ સારી રીતે સમજી શકું છું. હું આ ભાષા બોલી શકું છું, પણ કડકડાટ બોલવામાં મને થોડી તકલીફ પડે છે. હું મરાઠીમાં લખી અને વાંચી શકું છું તેમ જ કવિતા પણ ગાઈ શકું છું. મારી સ્કૂલમાં મરાઠી ફરજિયાત વિષય હતો એટલે મને આટલી તો જાણકારી છે જ.

ફિલ્મના ડિરેક્ટર સચિન કુંડાલકર વિશે તારો શું મત છે?

તેમને આ ફિલ્મની પટકથા લખતાં એક વર્ષ લાગ્યું હતું. મેં જ્યારે આ સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મને ખબર પડી કે એક વર્ષ શું કામ લાગ્યું હતું. તેઓ બહુ સારા લેખક છે અને આ તેમની પહેલી હિન્દી ફિલ્મ છે એવું માનવું મુશ્કેલ છે. તેઓ હિન્દી ફિલ્મમાં ઉત્તર ભારતનું આધિપત્ય ઓછું કરીને ભારતના દરેક હિસ્સાને પ્રતિનિધિત્વ આપવા માગે છે.

શું તેં હાલમાં પૃથ્વીરાજને શાહિદ કરતાં વધુ સારો ડાન્સર ગણાવ્યો હતો?

ના, મેં એવું કહ્યું જ નથી.

પ્રોમો જોઈને લાગે છે કે તેં આ ફિલ્મમાં ધમાકેદાર ડાન્સ કર્યો છે

હા. મને આવી રીતે ડાન્સ કરતી જોઈને લોકોને જોરદાર આંચકો લાગવાનો છે. મને એ વાતની ખુશી છે કે હું આજે પણ મારા દર્શકોને આંચકો આપી શકું છું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મારી ઍક્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત થયું હોવાને કારણે ડાન્સિંગ સ્કિલ પાછલી પાટલીએ ધકેલાઈ ગઈ હતી, પણ આ ફિલ્મમાં મને બેલી ડાન્સ જેવો ડાન્સ કરવાની તક મળી છે. મને ખાતરી છે કે લોકો આ વાતની ચોક્કસ નોંધ લેશે.