ઍક્શન-પૅક્ડ જઝ્બામાં ઍશ પોતે જ સ્ટન્ટ કરશે

20 May, 2014 06:24 AM IST  | 

ઍક્શન-પૅક્ડ જઝ્બામાં ઍશ પોતે જ સ્ટન્ટ કરશે


સંજય ગુપ્તાની આ ફિલ્મ એક ફુલ-ફ્લેજ્ડ ઍક્શન ફિલ્મ છે અને એમાં ઐશ્વર્યાના પણ ઍક્શન-સીન છે. મજાની વાત એ છે કે ઐશ્વર્યા પોતાના એ દિલધડક સ્ટન્ટ-સીન પોતે જ કરવાની છે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષની શરૂઆતથી થવાનું છે. સંજય ગુપ્તાએ કહ્યું હતું કે જાન્યુઆરીમાં શૂટિંગ શરૂ થઈ જશે અને અમે કાન ફેસ્ટિવલમાં એ ફિલ્મ દેખાડીશું.

ઐશ્વર્યાનું કમબૅક હોય એટલે સ્વાભાવિક રીતે એવું ધારવાનું મન થઈ જાય કે ફિલ્મ વુમન-ઓરિયેન્ટેડ હશે, પણ ‘જઝ્બા’ એ પ્રકારની ફિલ્મ નથી. સંજય ગુપ્તાએ કહ્યું હતું કે ‘ઐશ્વર્યા હોવાને કારણે એવું ધારી લેવાની જરૂર નથી કે આ એક ફીમેલ-ઓરિયેન્ટેડ ફિલ્મ હશે. હા, એટલું ચોક્કસ કહીશ કે ઐશ્વર્યા આ ફિલ્મની હીરો છે. એવી જ હીરો જેવો જૉન એબ્રાહમ ‘શૂટઆઉટ ઍટ વડાલા’માં અને ‘ઝિંદા’માં સંજય દત્ત હતો. આ એવો રોલ છે જેમાં જેન્ડરનું કોઈ મહત્વ જ નથી.’

ઐશ્વર્યા માટે સ્ટન્ટ કોઈ નવી વાત નથી. ‘ધૂમ ૨’માં તેણે સ્ટન્ટ કર્યા જ હતા. જોકે એ હાઈ-વોલ્ટેજ સ્ટન્ટ નહોતા, પણ ‘જઝ્બા’માં હેવી ઍક્શન-સીક્વન્સ છે અને એના માટે ઐશ્વર્યા પોતે સ્ટન્ટ જ કરવાની છે અને કોઈ બૉડી-ડબલનો ઉપયોગ નથી કરવાની. ફિલ્મ માટે ઑલરેડી ઐશ્વર્યાએ ટ્રેઇનિંગ લેવાનું શરૂ કરી દીધું છે.

‘જઝ્બા’માં ઐશ્વર્યા પોતાના કોઈ ગ્લૅમરસ લુક પર ધ્યાન નથી આપવાની. સંજય ગુપ્તાની સ્ટોરીની આ ડિમાન્ડ છે. સંજય ગુપ્તાએ કહ્યું હતું કે ‘ફિલ્મની વાર્તા તોડે એવું કોઈ આઇટમ-સૉન્ગ ફિલ્મમાં નહીં હોય. ઐશ્વર્યાએ કોઈ અલ્ટ્રા ગ્લૅમરસ પર્સનાલિટી પણ દેખાડવાની નથી. તે પોતાના આંતરિક રૂપથી જ ચમકશે.’

‘જઝ્બા’માં હજી બે હીરો કાસ્ટ કરવામાં આવશે. ઐશ્વર્યાએ ૨૦૧૧માં આરાધ્યાને જન્મ આપ્યો એ પછી હવે તે પહેલી વાર ફિલ્મ સાઇન કરી રહી છે.

પતિ સાથે પણ સંજય ગુપ્તા

ઐશ્વર્યા સાથે ફિલ્મ કરી રહેલા સંજય ગુપ્તા અભિષેક સાથે પણ ‘ખોટે સિક્કે’ની રીમેક બનાવી રહ્યા છે અને એનું શૂટિંગ ‘જઝ્બા’ પછી તરત જ શરૂ થશે. એ ઉપરાંત સંજયે ‘મુંબઈ સાગા’ની પણ અનાઉન્સમેન્ટ કરી છે. સંજય ગુપ્તાએ કહ્યું હતું કે ‘એક વર્ષના ગૅપ પછી ૩ ફિલ્મો બૅક-ટુ-બૅક બનાવવાનો છું અને એની શરૂઆત ‘મુંબઈ સાગા’થી કરવામાં આવશે; જેમાં અનિલ કપૂર, જૉન એબ્રાહમ, વિવેક ઑબેરૉય અને મનોજ બાજપાઈ છે. એ પછી તરત જ ‘જઝ્બા’ અને પછી ‘ખોટે સિક્કે’ શરૂ થશે.’