05 June, 2026 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જે. ડબ્લ્યુ. મૅરિયટની પ્રથમ ગ્લોબલ બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બની ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યા રાય બચ્ચન સોશ્યલ મીડિયા પર બહુ સક્રિય નથી રહેતી પણ હાલમાં તેણે લાંબા સમય બાદ એક નવી પોસ્ટ શૅર કરીને પોતાની સિદ્ધિ જણાવી છે. ઐશ્વર્યાને લક્ઝરી હોટેલ બ્રૅન્ડ જે. ડબ્લ્યુ. મૅરિયટની પ્રથમ ગ્લોબલ બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે પસંદ કરવામાં આવી છે. ઐશ્વર્યાએ આ સમાચાર સોશ્યલ મીડિયામાં એક તસવીર સાથે શૅર કર્યા છે. ઐશ્વર્યાએ આ તસવીર સાથે લખ્યું હતું, ‘હું હંમેશાં માનતી આવી છું કે જીવનનો સાચો આનંદ એ પળોમાં છુપાયેલો હોય છે જેને આપણે દિલથી જીવીએ છીએ. જે આપણી યાદનો ભાગ બની જાય છે અને જેને આપણે હંમેશાં સાચવી રાખીએ છીએ. મને એ જાણ કરતી વખતે ખૂબ ગૌરવ અને સન્માનની લાગણી થાય છે કે હું જે. ડબ્લ્યુ. મૅરિયટ હોટેલ્સની પ્રથમ ગ્લોબલ બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે જોડાઈ રહી છું.’
જાહ્નવી કપૂરે તિરુમાલા જઈને લીધા ભગવાન વેન્કટેશ્વરના આશીર્વાદ
જાહ્નવી કપૂરની ફિલ્મ ‘પેડ્ડી’ ગઈ કાલે રિલીઝ થઈ છે. આ રિલીઝના દિવસે જાહ્નવીએ દિવસની આધ્યાત્મિક શરૂઆત કરી હતી. ફિલ્મની રિલીઝ પહેલાં તે આંધ્ર પ્રદેશ સ્થિત પ્રસિદ્ધ તિરુમાલા વેન્કટેશ્વર મંદિરે દર્શન કરવા પહોંચી હતી તેમ જ ગઈ કાલે વહેલી સવારે મંદિરમાં પ્રાર્થના કરતી જોવા મળી હતી.
ભગવાનના આશીર્વાદ માટે જાહ્નવી ખુલ્લા પગે ચડી ૩૫૫૦ પગથિયાં
ગઈ કાલે જાહ્નવીએ ભગવાન વેન્કટેશ્વરના આશીર્વાદ મેળવવા માટે તિરુમાલા મંદિર સુધીનાં ૩૫૫૦ પગથિયાં ખુલ્લા પગે ચડીને યાત્રા પૂર્ણ કરી હતી. જાહ્નવી તિરુમાલા પહોંચવા માટે પ્રખ્યાત આલિપિરી પદયાત્રા માર્ગ પર ચાલતી જોવા મળી હતી. મંદિરની પરંપરાનું પાલન કરીને જાહ્નવીએ ગુલાબી રંગની સાદી કુર્તી અને પલાઝો પહેર્યો હતો અને ૯ કિલોમીટર લાંબી સંપૂર્ણ યાત્રા ઉઘાડા પગે પૂર્ણ કરી હતી.