અભિષેક અને ઐશ્વર્યા રાય બચ્ચને ગૂગલ અને યુટ્યુબ પર કર્યો ૪ કરોડ રૂપિયાનો દાવો

03 October, 2025 11:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દાવામાં આ પ્લૅટફૉર્મ્સ પર ડીપફેક અને AIમાં તેમની તસવીરો અને વિડિયોના દુરુપયોગને મંજૂરી આપવાનો આરોપ લગાવાયો છે

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન

બચ્ચન પરિવાર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના દુરુપયોગ સામે કડક વલણ અપનાવી રહ્યો છે. હાલમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચને દિલ્હી હાઈ કોર્ટમાં ગૂગલ અને યુટ્યુબ વિરુદ્ધ તેમને થયેલા નુકસાન બદલ ૪ કરોડ રૂપિયાનું વળતર માગતો દાવો દાખલ કર્યો છે. દાવામાં આ પ્લૅટફૉર્મ્સ પર ડીપફેક અને AIમાં તેમની તસવીરો અને વિડિયોના દુરુપયોગને મંજૂરી આપવાનો આરોપ લગાવાયો છે.

આ કાનૂની પગલાથી સ્ટાર કપલ હવે અમિતાભ બચ્ચન, અનિલ કપૂર અને જૅકી શ્રોફની ટીમમાં આવી ગયું છે જેમણે પહેલેથી જ આવા દુરુપયોગ વિરુદ્ધ તેમના પર્સનલ રાઇટ્સનું પ્રોટેક્શન મેળવી લીધું છે. આ દાવામાં અભિષેક અને ઐશ્વર્યાએ યુટ્યુબની નીતિઓ પર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે યુટ્યુબની કન્ટેન્ટ અને થર્ડ પાર્ટીની નીતિઓ સમસ્યા ઊપજાવે છે.

ઐશ્વર્યા અને અભિષેકની દલીલમાં કહેવામાં આવ્યું છે કે ‘આવી કન્ટેક્ટ કોઈ પણ અંકુશ વગર ફેલાઈ રહી છે. AI મૉડલ્સને તાલીમ આપવા માટે વપરાતી આવી કન્ટેન્ટમાં વાંધાજનક કન્ટેન્ટનો ઉપયોગ થાય એવી શક્યતા ઘણી વધારે છે. AI પ્લૅટફૉર્મને એવી કન્ટેન્ટ માટે તાલીમ આપવામાં આવે છે જે નેગેટિવ વસ્તુઓ બનાવે. એ પછી AI મૉડલ ખોટી માહિતી શીખી લે છે જેનાથી એનો વધુ પ્રસાર થાય છે.’

aishwarya rai bachchan abhishek bachchan youtube entertainment news bollywood bollywood news google