19 May, 2025 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન
બૉલીવુડના પાવર કપલ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને ૭ મેએ મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં એક લગ્ન-સમારોહમાં હાજરી આપી હતી. આ લગ્ન ઐશ્વર્યાના કઝિનનાં હતાં. આ ફંક્શનમાં ઐશ્વર્યા તેના ચાર્ટબસ્ટર ગીત ‘કજરા રે’ પર દિલ ખોલીને નાચતી જોવા મળી હતી. એ સમયના ફોટો જોઈને એવું લાગે છે કે ઐશ્વર્યાને આ રીતે ડાન્સ કરતી જોઈને અભિષેક તેના પર ફિદા થઈ ગયો હતો.
આ ઇવેન્ટનો વિડિયો હવે ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે, જેમાં ઐશ્વર્યા અને અભિષેકે આઇવરી રંગનાં આઉટફિટમાં ટ્વિનિંગ કર્યું હતું. ઐશ્વર્યા જ્યારે ડાન્સ કરતી ત્યારે તેની દીકરી આરાધ્યા પણ તેની સાથે ડાન્સ-ફ્લોર પર જોડાઈ હતી. એ સમયે આરાધ્યાએ સફેદ લેહંગો પહેર્યો હતો. આ ફંક્શનમાં સિંગર રાહુલ વૈદ્યએ પર્ફોર્મન્સ આપ્યો હતો અને તેણે ઢોલના તાલે ‘કજરા રે’ ગાઈને મહેમાનોને નાચવા મજબૂર કર્યા હતા.
છેલ્લા કેટલાક સમયથી અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે અણબનાવ હોવાની ચર્ચા હતી અને તેઓ અલગ થવાના હોવાની અફવા ફેલાઈ હતી. રિપોર્ટ હતા કે બચ્ચન-પરિવારમાં બધું બરાબર નથી અને બન્ને ડિવૉર્સનું વિચારી રહ્યાં છે. જોકે આ દંપતીએ આ પહેલાં પણ એપ્રિલમાં એક પારિવારિક સમારોહમાં સાથે હાજરી આપી હતી અને હવે એકબીજાની કંપનીમાં દિલ ખોલીને નાચીને તમામ અફવાઓને ખોટી સાબિત કરી છે.