સમાજમાં HIV/AIDS વિશે ફેલાયેલી ખોટી માન્યતાઓ દૂર થવી જ જોઈએ : ઐશ્વર્યા

02 December, 2015 04:55 AM IST  | 

સમાજમાં HIV/AIDS વિશે ફેલાયેલી ખોટી માન્યતાઓ દૂર થવી જ જોઈએ : ઐશ્વર્યા



ક્યા અદા હૈ : જુહુમાં આવેલી કૂપર હૉસ્પિટલમાં ગઈ કાલે ઐશ્વર્યા રાય બચ્ચને યુનાઇટેડ નેશનના UNAIDS કૅમ્પેનના ગુડવિલ ઍમ્બૅસૅડર તરીકે લોકો સાથે AIDSને લગતી વાતચીત કરી હતી. એ સમયે તેના ચહેરાના હાવભાવ અને તેની અદા જોવા જેવાં હતાં.




સમાજમાં HIV/AIDS વિશે ખોટી માન્યતાઓ ફેલાયેલી છે અને ઐશ્વર્યા રાય બચ્ચન માને છે કે આ માન્યતાઓને દૂર કરવા માટે એ વિશે વાતો કરવી ખૂબ જરૂરી છે. ગઈ કાલે વિશ્વ AIDS દિવસ દરમ્યાન જુહુ પાસે આવેલી કૂપર હૉસ્પિટલની ઐશ્વર્યાએ મુલાકાત લીધી હતી. એ સમયે તેણે કહ્યું હતું કે ‘જ્યાં સુધી આપણે HIV/AIDS વિશે વાતો કરતા રહીશું ત્યાં સુધી લોકોને એ વિશે માહિતી મળતી રહેશે અને તેઓ જાગ્રત થશે. એ વિશે સમાજમાં ચાલી રહેલી ખોટી માન્યતાઓને દૂર કરવી જોઈએ. લોકો સમાજમાં તમને કેવી રીતે જુએ છે એ વિશે વિચારીને તમે આ વિશે ચુપકીદી સાધો છે અને અમે અત્યારે એ વસ્તુ પર જ કામ કરી રહ્યા છીએ કે લોકો આના વિશે ખૂલીને વાત કરે. જ્યારે આ અવરોધો દૂર થશે ત્યારે આ કામ વધુ સરળ બનશે.’

ઐશ્વર્યા ૨૦૧૨થી યુનાઇટેડ નેશનના UNAIDS કૅમ્પેનની ગુડવિલ ઍમ્બૅસૅડર છે અને તે વિશ્વ AIDS દિવસ વિશે જણાવતાં કહે છે, ‘અન્ય તહેવારોની જેમ AIDS દિવસ પણ મનાવવો ખૂબ જરૂરી છે, કારણ કે માનવતા માટે તમે એક સારી દિશા તરફ ધ્યાન દોરી રહ્યા છો. યુનાઇટેડ નેશન્સ મારી સાથે આ વિષયે ઘણા સમયથી વાતચીત કરી રહ્યું હતું, કારણ કે એવી ઘણી વસ્તુઓ છે જેની તરફ ધ્યાન દોરવાની જરૂર છે. મને ખુશી છે કે મેં જ્યારે યુનાઇટેડ નેશન્સ સાથે કામ કરવાનું નક્કી કર્યું ત્યારે હુંં UNAIDS કૅમ્પેનનો ભાગ બની હતી. એ વિશે હું દુનિયાની ઘણી મહિલાઓની મદદ કરવા માગું છું, પરંતુ સૌથી વધુ મદદ હું મારા દેશમાં કરવા માગું છું.’