03 February, 2026 10:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અહાન પાંડે
ગયા વર્ષે અહાન પાંડેએ ફિલ્મ ‘સૈયારા’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેની પહેલી જ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર જોરદાર હિટ સાબિત થઈ હતી અને અહાનને પણ ભારે લોકપ્રિયતા મળી હતી. જોકે ઍક્ટર બનતાં પહેલાં અહાને પોતાના માટે એક નહીં, અનેક કરીઅર-વિકલ્પો અજમાવ્યા હતા. હાલમાં એક ઇન્ટરવ્યુ દરમ્યાન અહાને કહ્યું હતું કે ‘૧૬ વર્ષની ઉંમરે મેં ડિસ્ક-જૉકી (DJ) તરીકે પ્રોફેશનલ રીતે કામ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ મ્યુઝિક-પ્રોડક્શનમાં પણ હાથ અજમાવ્યો હતો. મારું એક ગ્રુપ હતું જેનું નામ ‘બેઝ ટ્રૅપ’ હતું અને અમે એમાં કેટલાક ટ્રૅક્સ રિલીઝ કર્યા હતા. એ પછી હું વિડિયોગેમ ડિઝાઇન તરફ વળ્યો. છેલ્લે મેં ફિલ્મ-સેટ પર અસિસ્ટ કરવાનું શરૂ કર્યું, કારણ કે વાર્તા કહેવાનું પૅશન મારી અંદર ક્યાંક છુપાયેલું હતું. હું ફિલ્મના સેટ પર શાંતિથી બધું જોતો રહ્યો. ત્યાર બાદ મેં મારું પહેલું ફિલ્મ-ઑડિશન આપ્યું ત્યારે મને સમજાયું કે સાચા લોકો સામે પર્ફોર્મ કરવાનો અનુભવ કેવો હોય છે. એ પછી મેં ઍક્ટિંગ કરવાનું નક્કી કર્યું.’