25 December, 2021 07:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ જોઈને સાકિબ સલીમને લાલ રૂમાલ આપ્યો મોહિન્દર અમરનાથે
સાકિબ સલીમ માટે સૌથી મોટી ઉપલબ્ધિ ભારતીય ક્રિકેટના મહાન ખેલાડી મોહિન્દર અમરનાથના હાથે લાલ રૂમાલ મળવાની છે. તાજેતરમાં જ મુંબઈમાં ‘83’નો ગ્રૅન્ડ પ્રીમિયર શો ક્રિકેટર્સની હાજરીમાં રાખવામાં આવ્યો હતો. ભારતને ૧૯૮૩માં ક્રિકેટમાં પહેલી વખત મળેલા વર્લ્ડ કપના ગૌરવને દેખાડતી ફિલ્મ છે. ફિલ્મમાં કપિલ દેવના રોલમાં રણવીર સિંહ જોવા મળી રહ્યો છે. તો મોહિન્દર અમરનાથનો રોલ સાકિબ સલીમે ભજવ્યો છે. આ ફિલ્મ જોયા બાદ મોહિન્દર અમરનાથ પાસેથી પોતાની પ્રશંસા સાંભળીને સાકિબ સલીમ ખૂબ ભાવુક થઈ ગયો હતો. તે મોહિન્દર અમરનાથને ગળે ભેટીને ખૂબ રડ્યો હતો. એ દરમ્યાન તેઓ સાકિબને સાંત્વના પણ આપી રહ્યા છે. સાથે જ પોતાનો ફેવરિટ લાલ રૂમાલ સાકિબને આપ્યો હતો. એ આખો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સાકિબે કૅપ્શન આપી હતી, ‘આનાથી મોટું પ્રમાણ કંઈ ન હોઈ શકે કે ફિલ્મ જોયા બાદ મને લેજન્ડના હાથે લાલ રૂમાલ મળ્યો છે. જિમી સર, મને તમારી લાઇફમાં ઉમેરવા માટે થૅન્ક યુ. સાથે જ મારા ડિરેક્ટર કબીર ખાને મારા પર ભરોસો કર્યો કે હું તેમનો જિમી બની શકું છું.’