30 July, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જસબીર જસ્સી
કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં કડવાશ આવી છે અને ભારતમાં પાકિસ્તાની આર્ટિસ્ટ સાથે કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સંજોગોમાં દિલજિત દોસાંઝે તેની ફિલ્મ ‘સરદારજી 3’માં પાકિસ્તાની ઍક્ટ્રેસ હાનિયા આમિર સાથે કામ કર્યા બાદ મોટો વિવાદ સર્જાયો હતો. દિલજિત પછી હવે પંજાબી ગાયક જસબીર જસ્સી પણ બીજા પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવાની વેતરણમાં છે અને આ મામલો ચર્ચાનો મુદ્દો બન્યો છે.
હાલમાં એક કાર્યક્રમમાં જસબીર જસ્સીએ તેના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરી અને કહ્યું હતું કે ‘મારાં ઘણાં ગીતો આવવાનાં છે. મારું એક ગીત ગુલામ અલી ખાં સાહેબના દીકરા સાથે આવવાનું છે. એ ઉપરાંત હું તો ઘણાં ગીતો કરતો રહું છું. હું આ સમયે એસ. એમ. સાદિક સાથે એક ગીત કરી રહ્યો છું, વળી મારું એક બીજું ગીત છે જેમાં જે અભિનેત્રી છે એ પાકિસ્તાની છે. મને લાગે છે કે કળાને અલગ રાખવી જોઈએ, રમતગમતને પણ અલગ રાખવી જોઈએ. બન્ને દેશો વચ્ચે ક્રિકેટ અને હૉકીની રમત તો રમાઈ રહી છે, પણ આર્ટના ફીલ્ડમાં લોકોને જલદી ટાર્ગેટ કરવામાં આવે છે.’