12 April, 2026 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આંતરરાષ્ટ્રીય વ્હીલચૅર ક્રિકેટર ભીમા ખુંટીને રણવીરે ઉભડક બેસીને આપ્યો ઑટોગ્રાફ
રણવીર સિંહ પોતાની બ્લૉકબસ્ટર ફિલ્મો ‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ માટે ભારે પ્રશંસા મેળવી રહ્યો છે. ‘ધુરંધર : ધ રિવેન્જ’ની સફળતા બાદ તેની ગણતરી ટોચના બૉલીવુડ સ્ટારમાં થાય છે. જોકે આટલી સફળતા પછી પણ રણવીર હજી જમીન સાથે જોડાયેલો છે અને આ વાતનો પુરાવો તેની હાલની વ્હીલચૅર ક્રિકેટર ભીમા ખુંટી સાથેની મુલાકાત વખતે મળ્યો. ભીમા ખુંટી એક આંતરરાષ્ટ્રીય વ્હીલચૅર ક્રિકેટર છે અને ગુજરાત વ્હીલચૅર ક્રિકેટ ટીમનો કૅપ્ટન છે. રણવીર હાલમાં ભીમા ખુંટીને મળ્યો હતો જેનો વિડિયો ક્રિકેટરે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. વિડિયોમાં જોવા મળે છે કે રણવીર સિંહ એક તબક્કે ભીમાને મળતાં જ આઇ-કૉન્ટૅક્ટ કરવા માટે ઉભડક જમીન પર બેસી જાય છે અને તેની ક્રિકેટ જર્સી પર ઑટોગ્રાફ આપે છે. ત્યાર બાદ બન્ને એકબીજા સાથે વાતચીત પણ કરે છે.
ભીમા ખુંટીએ આ વિડિયો શૅર કરતાં રણવીરની ખૂબ પ્રશંસા કરી છે. તેણે લખ્યું કે ‘ધુરંધર રણવીર સિંહ સાથેની આ ક્ષણ મારા જીવનનો ભુલાવી ન શકાય એવો અનુભવ છે. હું જીવનમાં ઘણા લોકોને મળ્યો છું પરંતુ આજે જે સાદગી, વિનમ્રતા અને માન આપવાનો અનુભવ થયો એ ખરેખર ખાસ હતો. સુપરસ્ટાર હોવું એક વાત છે, પરંતુ સાચો સારો માણસ હોવું એ જ તમને સાચો સ્ટાર બનાવે છે.’