વારાફરતી વારો, તારા પછી મારો

14 May, 2012 06:06 AM IST  | 

વારાફરતી વારો, તારા પછી મારો

‘ડેન્જરસ ઇશ્ક’માં કરિશ્મા કપૂરને રીલૉન્ચ કર્યા બાદ ફિલ્મમેકર વિક્રમ ભટ્ટ આફતાબ શિવદાસાણીને રીલૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે.

આગામી પ્રોડક્શન પ્રોજેક્ટ માટે રાઇટર-ડિરેક્ટર વિક્રમ ભટ્ટ તેમની હૉરર ફિલ્મ ‘૧૯૨૦’ની સીક્વલ પર કામ કરી રહ્યા છે અને એના લીડ રોલમાં આફતાબને લેવામાં આવશે.

વિક્રમ ભટ્ટે કહ્યું હતું કે ‘કરિશ્મા સાથેની મારી ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને હવે હું આફતાબ સાથે કામ કરીશ. હું ‘૧૯૨૦’ની સીક્વલના પ્રોજેક્ટ પર ધ્યાન આપી રહ્યો છું. પ્રોજેક્ટનું શૂટ પૂરું થઈ ગયું છે અને આવતા અઠવાડિયાથી એની તૈયારીઓ શરૂ કરવાનો છું.’

પાછલાં થોડાંક વષોર્માં આફતાબની ફિલ્મોને સફળતા નથી મળી. છેલ્લી કેટલીક ફિલ્મોમાં તેનું કામ ભૂલી જવાય એવું રહ્યું છે. એમાં ‘પ્લેયર્સ’ અને ‘બિન બુલાયે બારાતી’ સહિત ૨૦૦૯માં રિલીઝ થયેલી પ્રોડ્યુસર તરીકેની પહેલી ફિલ્મ ‘આ વિશ કરેં’ પણ નિષ્ફળ ગઈ હતી.

વિક્રમ ભટ્ટની હૉરર ફિલ્મથી આફતાબ બૉલીવુડમાં ફરી પોતાનું સ્થાન જમાવવાની કોશિશ કરી રહ્યો છે. સાધારણ રીતે વિક્રમ ભટ્ટની ફિલ્મોમાં દેખાતા અને ‘૧૯૨૦’ અને ‘ડેન્જરસ ઇશ્ક’માં જોવા મળેલા ઍક્ટર રજનીશ દુગ્ગલને બદલે હવે આફતાબની પસંદગી કરવામાં આવી છે. ૨૦૦૮માં રિલીઝ થયેલી ઓરિજિનલ ફિલ્મની સ્ટોરી ભૂતિયા ઘરમાં રહેલાં પતિ-પત્નીની આસપાસની ઘટનાઓ પર આધારિત હતી.

 પહેલી વખત આફતાબ હૉરર ફિલ્મમાં કામ કરશે, પણ તેણે વિક્રમ ભટ્ટ સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આફતાબે ‘દીવાને હુએ પાગલ’, ‘આવારા પાગલ દીવાના’ અને ‘કસૂર’ જેવી વિક્રમ ભટ્ટની ફિલ્મો કરી છે.

સ્વીડનમાં શૂટ કરવામાં આવેલી વિક્રમ ભટ્ટની આ હૉરર ફિલ્મમાં આફતાબની કો-સ્ટાર ટીઆ બાજપાઈ છે. વિક્રમે કહ્યું હતું કે ‘પહેલાં મારા અસિસ્ટન્ટ રહી ચૂકેલા ભૂષણ પટેલે ફિલ્મનું ડિરેક્શન કર્યું છે. પહેલા ભાગ કરતાં આ સીક્વલ વધુ ડરામણી હશે. ફિલ્મમાં આફતાબને એક અલગ બાજુએ દેખાડવામાં આવ્યો છે અને મને ખાતરી છે કે લોકોને તે ગમશે.’