26 વર્ષ બાદ ફરી પડદા પર જોવા મળશે `રામ તેરી ગંગા મેલી`ની અભિનેત્રી મંદાકીની

19 April, 2022 06:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અભિનેત્રી મંદાકિનીએ જણાવ્યું હતું કે, તે તેના પુત્ર રબિલ ઠાકુર સાથે એક મ્યુઝિક વીડિયોમાં માતા તરીકે જોવા મળશે.

મંદાકિની

મુંબઈ: 1985માં રાજ કપૂરની ફિલ્મ `રામ તેરી ગંગા મેલી`થી લોકોના દિલમાં જગ્યા બનાવનાર અભિનેત્રી મંદાકિની(Mandakini)બધાને યાદ જ હશે. વર્ષ 1996માં ફિલ્મી દુનિયાથી દૂરી બનાવી લીધી હતી. જે બાદ તે ક્યારેય મોટા પડદા પર જોવા મળી નથી. પરંતુ હવે 26 વર્ષ બાદ અભિનેત્રીએ ફરી એકવાર સ્ક્રીન પર વાપસી કરવાનો નિર્ણય લીધો છે. મંદાકિની એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે.

 ઈટાઈમ્સ સાથેની વાતચીત દરમિયાન અભિનેત્રી મંદાકિનીએ જણાવ્યું હતું કે, તે તેના પુત્ર રબિલ ઠાકુર સાથે એક મ્યુઝિક વીડિયોમાં માતા તરીકે જોવા મળશે. આ ગીત સાજન અગ્રવાલ દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવ્યું છે. ગીતના બોલ `મા ઓ મા` છે. અભિનેત્રી કહે છે કે માતા પર બનેલું આ ગીત ખૂબ જ ક્યૂટ છે અને તે તેનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

જ્યારે તેને સ્ક્રીન પર વાપસી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, હું મારા કમબેકને લઈને ખૂબ જ ખુશ છું. હું સાજનને ઘણા વર્ષોથી ઓળખું છું પરંતુ હવે અમે સાથે કામ કરી રહ્યા છીએ. અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે જ્યારે તેણે પહેલીવાર `મા ઓ મા` ગીત સાંભળ્યું ત્યારે તે આ ગીતના પ્રેમમાં પડી ગઈ હતી. હાલમાં ગીતનું શૂટિંગ શરૂ થયું નથી, એપ્રિલના અંત સુધીમાં તેના પર કામ શરૂ કરવામાં આવશે.

bollywood news entertainment news