ડૉક્ટરે કહ્યું હતું કે છ મહિનામાં અદનાન મરી જશે

08 June, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે પછી સિંગરે લાઇફસ્ટાઇલમાં પરિવર્તન કરીને સારુંએવું વજન ઘટાડતાં સ્વાસ્થ્યમાં સુધારો થયો હતો

અદનાન સમી

‘યે ઝમીં રુક જાએ’ અને ‘મુઝકો ભી તો લિફ્ટ કરા દે’ જેવાં ગીતોથી લોકપ્રિય થયેલા ગાયક અદનાન સમીનું વજન એક સમયે ૨૩૦ કિલો હતું અને તેણે લગભગ ૧૨૦ કિલો વજન ઘટાડ્યું છે. અદનાનના આ ટ્રાન્સફૉર્મેશનને જોઈને તેના ઘણા ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અદનાનના ટ્રાન્સફૉર્મેશન પાછળ તેની સખત મહેનત, સખત ડાયટ અને શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ છે. અદનાને હાલમાં એક ઇન્ટરવ્યુમાં વજન ઘટાડવાનાં કારણોની ચર્ચા કરતાં કહ્યું હતું કે ‘ડૉક્ટરોએ મને કહ્યું કે હું બૉર્ડર લાઇન પર છું. તેમણે કહ્યું કે જો હું આવી જ જીવનશૈલીમાં જીવતો રહીશ તો મારાં માતા-પિતાને છ મહિના પછી હોટેલની રૂમમાં મૃત હાલતમાં મળીશ. આ મારા માટે એક આઘાત હતો, પરંતુ હું ગુસ્સામાં હતો, કારણ કે તેમણે આ વાત મારા પિતાની સામે કહી. મેં મારા પિતાને કહ્યું કે તેઓ ડૉક્ટરની વાતને નજરઅંદાજ કરે. ડૉક્ટર પાસેથી આવ્યા પછી હું સીધો એક બેકરીમાં ગયો અને તેનો અડધો સામાન ખાઈ લીધો. મારા પિતા મને ગુસ્સાથી જોઈ રહ્યા હતા. તેમણે મને ડૉક્ટરની વાતને નજરઅંદાજ કરવા બદલ ઠપકો આપ્યો અને મેં તેમને કહ્યું કે ડૉક્ટર તો કહ્યા કરે.’

અદનાને ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેનું વજન એટલું વધી ગયું હતું કે વર્ષો સુધી બેસીને સૂવું પડ્યું હતું. અદનાને તેના પિતા સાથે થયેલી એક ભાવનાત્મક વાતચીત પણ શૅર કરી હતી અને જણાવ્યું હતું કે એક તબક્કે તેમના પિતાની આંખોમાં આંસુ આવી ગયાં હતાં અને તેમણે કહ્યું હતું કે તેઓ પોતાના સંતાનને દફનાવવા નથી માગતા. એ પછી અદનાને વાતની ગંભીરતા સમજીને ૧૨૦ કિલો વજન ઘટાડ્યું જેના પછી તેના સ્વાસ્થ્યમાં સુધારો થયો હતો. 

adnan sami entertainment news bollywood bollywood news bollywood gossips