24 June, 2025 07:59 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અદનાન સમી
સિંગર અદનાન સમીએ લગભગ એક દાયકા પહેલાં ભારતીય નાગરિકત્વ લીધું હોવા છતાં તેના આ નિર્ણયની ઑનલાઇન ઘણી ચર્ચા થાય છે. અદનાનને તેના આ નિર્ણય બદલ પાકિસ્તાનમાં ઘણી વખત ટ્રોલ કરવામાં આવે છે. અદનાન ૨૦૦૧માં ભારતમાં શિફ્ટ થયો હતો અને તેને ૨૦૧૬માં ભારતીય નાગરિકત્વ મળ્યું હતું. જોકે આટલાં વર્ષો પછી પણ તેને સતત યાદ અપાવવામાં આવે છે કે તે મૂળ પાકિસ્તાની છે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં અદનાન સમીએ પાકિસ્તાનમાં વારંવાર ટ્રોલ કરવામાં આવતો હોવાના અનુભવ વિશે વાત કરતાં કહ્યું, ‘પાકિસ્તાન એક ભૂતપૂર્વ પ્રેમી જેવું છે. જ્યારે ભૂતપૂર્વ પ્રેમી તમને આગળ વધતાં અને કોઈ બીજા સાથે જોડાતાં જુએ છે ત્યારે તે હંમેશાં તમને નફરત કરવાનાં કારણો શોધે છે. તે આવું એટલે કરે છે કારણ કે તે હજી મૂવ-ઑન નથી કરી શક્યો. હકીકતમાં આ પ્રેમ છે. મારી આ ટીકા ભારત-પાકિસ્તાનની દુશ્મનીને કારણે થાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રતિસ્પર્ધા છે, પરંતુ એનાથી પણ વધુ મહત્ત્વનો મુદ્દો એ છે કે આ બન્ને વચ્ચે એક્સ લવર-સિન્ડ્રોમ છે. જોકે હું આ બાબત ખૂબ સ્પષ્ટ કરી દઉં. ત્યાંના લોકો હંમેશાં ખૂબ પ્રેમ કરનારા રહ્યા છે અને તેઓ હજી પણ કરે છે. હું આજે પણ તેમને ખૂબ પ્રેમ કરું છું. તેમણે મને જે પ્રેમ આપ્યો છે એના માટે હું તેમનો ખૂબ આભારી છું. મારી સમસ્યાઓ હંમેશાં પાકિસ્તાની સરકાર સાથે રહી છે. વૈશ્વિક સ્તરે પ્રખ્યાત કલાકાર હોવા છતાં પાકિસ્તાની સરકારે ક્યારેય મારા યોગદાનને માન્યતા આપી નથી. તેમણે ક્યારેય મારા કામને સ્વીકાર્યું નથી કે મને કોઈ પણ રીતે સન્માનિત કર્યો નથી.’