ક્રિકેટર બનવા ઇચ્છતો હતો આદિત્ય રૉય કપૂર

29 April, 2020 09:10 PM IST  |  Mumbai Desk | Ashu Patel

ક્રિકેટર બનવા ઇચ્છતો હતો આદિત્ય રૉય કપૂર

આદિત્ય રોય કપૂર

હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં બહુ ઝડપથી મજબૂત સ્થાન જમાવી દેનારો આદિત્ય રૉય કપૂર અનાયાસે જ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવી ચડ્યો હતો. આદિત્ય ક્રિકેટર બનવા ઇચ્છતો હતો. તેણે ક્યારેય ઍક્ટર બનવાનું સપનું જોયું નહોતું.

આદિત્ય રૉય કપૂર નાનો હતો ત્યારે તેને ક્રિકેટમાં ખૂબ રસ પડતો હતો. તે ક્રિકેટર્સથી ખૂબ પ્રભાવિત થતો હતો અને તે ક્રિકેટર બનવાનાં સપનાં જોતો હતો. તે સ્કૂલમાં હતો એ દરમિયાન તેને ક્રિકેટ રમવાનો શોખ હતો અને ક્રિકેટ મૅચ હોય ત્યારે તે ટીવી સામે ગોઠવાઈ જતો હતો. એ સમયમાં તેના જીવનમાં સૌથી વધુ મહત્ત્વ ક્રિકેટનું હતું.
સ્કૂલના સમય સુધી આદિત્યને ક્રિકેટ પ્રત્યે લગાવ રહ્યો હતો, પણ તે કૉલેજમાં પહોંચ્યો ત્યાં સુધીમાં ક્રિકેટ પ્રત્યેનો તેનો મોહ ઓછો થઈ ગયો હતો. તેણે કૉલેજમાં ભણવાનું શરૂ કર્યું એ સમયમાં તેને મ્યુઝિક તરફ લગાવ જાગ્યો હતો અને તેણે સફળ મ્યુઝિક ડિરેક્ટર બનવાનું સપનું જોવાનું શરૂ કર્યું હતું. તે કૉલેજના સમયમાં મ્યુઝિશ્યન તરીકે કામ કરતો થઈ ગયો હતો. જોકે એ વખતે તે એ ક્ષેત્રે કોઈ ઉચ્ચ સ્તર સુધી પહોંચ્યો નહોતો, પરંતુ તેને મ્યુઝિક ડિરેક્ટર તરીકે કરીઅર બનાવવાની તીવ્ર ઇચ્છા તેના મનમાં જાગી હતી. આદિત્યએ એક મુલાકાતમાં કહ્યું હતું કે
હું ફિલ્મસ્ટાર ન બન્યો હોત
તો કદાચ ક્રિકેટર કે મ્યુઝિક ડિરેક્ટર હોત.
આદિત્ય સંગીત ક્ષેત્રે આગળ વધવાનું વિચારતો હતો, પણ એ પછી તેને ‘લંડન ડ્રીમ્સ’ અને ‘ઍક્શન રિપ્લે’ ફિલ્મમાં
નાના-નાના રોલ ભજવવાની તક મળી. એ પછી આદિત્યને થયું કે તેને અભિનયમાં રસ પડી રહ્યો છે અને તેણે વિચાર્યું કે અભિનય ક્ષેત્રે આગળ વધવું જોઈએ.
જોકે તે આડેધડ જે મળે એ રોલ સ્વીકારી લેવા માગતો નહોતો. તેણે ધીરજપૂર્વક આગળ વધવાનું નક્કી કર્યું. એ પછી તે સારો રોલ મળે એની તક જોવા માંડ્યો. તેને કેટલાક રોલની ઑફર થઈ. પરંતુ એ રોલ તેને પસંદ નહોતા પડ્યા. તેણે એ રોલ ઠુકરાવવાનું જોખમ લીધું. તેણે અનેક ફિલ્મ્સ ઠુકરાવી. છેવટે તેને મુકેશ ભટ્ટ અને મહેશ ભટ્ટ તથા ભૂષણ કુમાર અને કિશન કુમાર નિર્મિત અને મોહિત સૂરિ દિગ્દર્શિત ‘આશિકી-2’ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સામે હીરો તરીકે ચમકવાની ઑફર મળી. એ તક તેણે ઝડપી લીધી અને એ ફિલ્મ સુપરહિટ થઈ ગઈ. માત્ર 18 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી એ ફિલ્મ 2013માં સૌથી વધુ બિઝનેસ ખેંચી લાવનારી ફિલ્મ સાબિત થઈ. એણે માત્ર બૉક્સ-ઑફિસ પર 109 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો અને હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આદિત્ય રૉય કપૂરના નામનો સિક્કો જામી ગયો. આદિત્ય રૉય કપૂરનો ભાઈ સિદ્ધાર્થ રૉય કપૂર ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં મજબૂત સ્થાન ધરાવતો હતો એનો ફાયદો પણ આદિત્યને મળ્યો હતો.

ashu patel bollywood news bollywood aditya roy kapur