૧૦ જુલાઈએ જપાનમાં રિલીઝ થશે ધુરંધર

30 April, 2026 02:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ હાલમાં અનટાઇટલ્ડ છે, પરંતુ ચર્ચા છે કે એ બહુ ભવ્ય રીતે બનાવવામાં આવશે.

રણવીર સિંહ અભિનીત અને આદિત્ય ધર દ્વારા નિર્દેશિત બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’

રણવીર સિંહ અભિનીત અને આદિત્ય ધર દ્વારા નિર્દેશિત બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ બૉક્સ-ઑફિસ પર સારી કમાણી કરી રહી છે ત્યારે ફિલ્મમેકર્સે એના પહેલા ભાગ ‘ધુરંધર’ને જપાનમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. ‘ધુરંધર’ના મેકર્સે સોશ્યલ મીડિયામાં સત્તાવાર જાહેરાત કરી છે કે આ ફિલ્મ ૧૦ જુલાઈએ જપાનમાં રિલીઝ થશે. નિર્માતાઓએ જપાની ભાષામાં પોસ્ટર શૅર કરતાં કૅપ્શનમાં લખ્યું, ‘હવે જપાન માટે ‘ધુરંધર’ની એનર્જી અનુભવવાનો સમય આવી ગયો છે. ૧૦-૭-૨૦૨૬ના રોજ આખા જપાનનાં સિનેમાઘરોમાં આવી રહી છે.’ જપાનમાં હિન્દી ફિલ્મોનું માર્કેટ સતત વધી રહ્યું છે. અહીં અગાઉ પણ અનેક ભારતીય ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે જેને જપાની દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો છે. જપાનમાં ‘3 ઇડિયટ્સ’, ‘ઇંગ્લિશ વિંગ્લિશ’, ‘RRR’ અને ‘બાહુબલી’ જેવી ઘણી હિટ ફિલ્મોએ પોતાની ખાસ છાપ છોડી છે.

આદિત્ય ધર અને રણવીર સિંહ ફરી સાથે ફિલ્મ કરવાના પ્લાનિંગમાં

‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ અને ‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝી જેવી હિટ ફિલ્મો આપ્યાં પછી ફિલ્મમેકર આદિત્ય ધર હવે પોતાના આગામી મોટા પ્રોજેક્ટની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયો છે. રિપોર્ટ્‍સ મુજબ આદિત્યને એક નવો આઇડિયા મળ્યો છે અને તેણે એને સંપૂર્ણ ફિલ્મનું સ્વરૂપ આપવા માટે કામ શરૂ કરી દીધું છે. આદિત્ય આવતા વર્ષે માર્ચ મહિના સુધી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આદિત્યનો આ નવો પ્રોજેક્ટ હાલમાં શરૂઆતના તબક્કામાં છે, પરંતુ એમાં રણવીર સિંહ લીડ ઍક્ટર તરીકે હોવાની ચર્ચા શરૂ થઈ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટેની સ્પર્ધામાં રણવીર સૌથી આગળ હોવાનું માનવામાં આવે છે. જોકે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ ફિલ્મ હાલમાં અનટાઇટલ્ડ છે, પરંતુ ચર્ચા છે કે એ બહુ ભવ્ય રીતે બનાવવામાં આવશે.

ranveer singh dhurandhar aditya dhar japan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news