ચાર ફિલ્મોની રિલીઝની તારીખ જાહેર કરી આદિત્ય ચોપડાએ

27 September, 2021 02:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘બન્ટી ઔર બબલી 2’, ‘શમશેરા’, ‘પૃથ્વીરાજ’ અને ‘જયેશભાઈ જોરદાર’ રિલીઝ માટે તૈયાર

આદિત્ય ચોપરા

આદિત્ય ચોપડાએ તેની આગામી ચાર ફિલ્મોની રિલીઝની તારીખ જાહેર કરી છે. આ ચાર ફિલ્મો ‘બન્ટી ઔર બબલી 2’, ‘શમશેરા’, ‘પૃથ્વીરાજ’ અને ‘જયેશભાઈ જોરદાર’ છે. ચાલો જાણી લઈએ કઈ ફિલ્મ ક્યારે રિલીઝ થવાની છે. ડિરેક્ટર વરુણ વી. શર્માની ‘બન્ટી ઔર બબલી 2’ જેમાં સૈફ અલી ખાન, રાની મુખરજી, સિદ્ધાંત ચતુર્વેદી અને શરવરી જોવા મળવાની છે. આ પારિવારિક મનોરંજક ફિલ્મ આ વર્ષે ૧૯ નવેમ્બરે વિશ્વભરનાં થિયેટર્સમાં રિલીઝ થવાની છે. તો બીજી તરફ ડૉક્ટર ચન્દ્રપ્રકાશ દ્વિવેદીના ડિરેક્શનમાં બનેલી બિગ બજેટ ફિલ્મ ‘પૃથ્વીરાજ’ ૨૦૨૨ની ૨૧ જાન્યુઆરીએ વર્લ્ડવાઇડ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર રાજા પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકામાં અને સંયોગીતાના પાત્રમાં માનુષી છિલ્લર જોવા મળશે. સંજય દત્ત અને સોનુ સૂદ પણ આ ફિલ્મમાં લીડ રોલમાં દેખાશે. ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કરની ‘જયેશભાઈ જોરદાર’ને ૨૦૨૨ની ૨૫ ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ ગુજરાતની એક વ્યક્તિની છે જે હીરો બની જાય છે. આ ફિલ્મમાં રણવીર સિંહ ગુજરાતી બન્યો છે. તેની સાથે શાલિની પાન્ડે પણ જોવા મળશે. વાત છે યશરાજ ફિલ્મ્સની ‘શમશેરા’ની. આ ફિલ્મ ૨૦૨૨ની ૧૮ માર્ચે વિશ્વભરનાં થિયેટર્સમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, સંજય દત્ત અને વાણી કપૂર જોવા મળશે. કરણ મલ્હોત્રાએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. એવું કહેવાય છે કે આ ચારેચાર ફિલ્મોને ડિજિટલ પ્લૅટફૉર્મ્સ પર રિલીઝ કરવા માટે લગભગ ૪૦૦ કરોડની ડીલ આદિત્ય ચોપડાને ઑફર કરવામાં આવી હતી. જોકે આદિત્ય ચોપડાની ઇચ્છા આ ફિલ્મોને થિયેટર્સમાં રિલીઝ કરવાની હતી.

bollywood news bollywood bollywood gossips entertainment news aditya chopra