અધ્યયન સુમનને મારતી ને તેની સાથે ગાળાગાળી કરતી હતી કંગના રનોટ

29 April, 2016 06:57 AM IST  | 

અધ્યયન સુમનને મારતી ને તેની સાથે ગાળાગાળી કરતી હતી કંગના રનોટ


કંગના રનોટ અને હૃતિક રોશનના સંબંધોના વિવાદમાં કંગનાના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ અને જાણીતા ઍક્ટર શેખર સુમનના પુત્ર અધ્યયન સુમને હૃતિક માટે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. તેણે એક ઇન્ટરવ્યુમાં પોતાની વેદના ઠાલવી છે અને એમાં કંગના રનોટના વિચિત્ર વ્યક્તિત્વના પાસા પર પણ પ્રકાશ ફેંક્યો છે.

૨૦૦૮માં તેની અને કંગના વચ્ચે અફેર શરૂ થયું હતું અને એક જ વર્ષમાં તેઓ છૂટા પડી ગયાં હતાં. જોકે આ એક વર્ષમાં તેને થયેલા કડવા અનુભવો તેણે શૅર કર્યા છે. એમાં કંગના, તેનો સ્વભાવ, તેની ભાષા, તેનો ઝઘડાખોર સ્વભાવ, અફેર વખતે તેનાં મમ્મી-પપ્પા સાથેના સંબંધ વિશે અધ્યયન સુમને શું કહ્યું છે એ તેના જ શબ્દોમાં વાંચો...

હૃતિકની બાબતમાં મને ખેદ થાય છે. આવા અનુભવમાંથી પસાર થવું ખૂબ પરેશાન કરનારું હોય છે. મને આશા છે કે સત્ય બહાર આવશે. હૃતિક અને તેના પરિવાર માટે હું સહાનભૂતિ વ્યક્ત કરું છું. રોશન પરિવારે કેવી તકલીફ સહન કરવી પડી હશે એની કલ્પના હું કરી શકું છું. હું કોઈનો પક્ષ લઈને હૃતિક સાચો અને કંગના ખોટી એમ કહેવા માગતો નથી, પરંતુ મને એમ લાગે છે કે હૃતિક તરફથી કોઈએ બોલવું જોઈએ.

હું એક બાબત માટે મારી જાતને માફ કરી શકું એમ નથી. એ દિવસોમાં હું મારા પેરન્ટ્સ માટે નઠારો દીકરો હતો. એ બાબત સમજાતાં મારું જીવન હંમેશ માટે બદલાઈ ગયું. તેણે મારા ફાધર સાથે અણછાજતી રીતે વાત કરી હતી, પરંતુ એ વખતે તેણે મારું દિમાગ એવી સરસ રીતે ફેરવીને એના પર કબજો જમાવ્યો હતો કે એ ક્ષણે તેની સાથેનો સંબંધ તોડવાને બદલે મેં મારા ફાધર સામે બૂમો પાડવા માંડી હતી. મેં ટેમ્પરામેન્ટ ગુમાવ્યું હોવાથી આસપાસ તોડફોડ કરવા માંડી હતી.

કંગનાએ મને તેના ફોનની જૂની ચિપ નવા ફોનમાં નાખવા માટે આપી હતી. સ્વાભાવિક રીતે નવા ફોનનું ઇન-બૉક્સ સાવ ખાલી હતું, પરંતુ સેન્ટ મેસેજિસમાં તેણે હૃતિકને મોકલેલા પચાસથી ૭૦ મેસેજ હતા. મને એટલું સમજાયું કે એ વખતે કંગના દૂરથી હૃતિક પર નજર રાખતી હતી. એ વખતમાં ફિલ્મ ‘કાઇટ્સ’ માટે કંગના લાસ વેગસ જતી હતી ત્યારે હૃતિકને પામવાના પ્રયાસો કરતી હતી.

આદિત્ય પંચોલીએ મારી આંખોમાં જોઈને કહ્યું કે સર્કસમાં તારું સ્વાગત કરું છું અને શુભેચ્છા વ્યક્ત કરું છું. તેમના એ શબ્દોનો અર્થ ત્યારે હું સમજ્યો નહોતો.

મારા જીવનનાં કીમતી પાંચ વર્ષ મેં ગુમાવ્યાં છે. મેં ઘણા સંબંધો ગુમાવ્યા હતા, કારણ કે એ વખતે મને કંગના સાથે જોઈને લોકો ધિક્કારતા હતા. તેમને એમ લાગતું હતું કે હું એ અસલ અધ્યયન સુમન રહ્યો નથી, બદલાઈ ગયો છું. હું ન્યુ યૉર્ક જતો રહ્યો હતો. ત્યાં મને ચેન પડતું નહોતું. હું રૂમની છત તરફ જોઈને સમય પસાર કરતો હતો. હું વારંવાર રડતો રહેતો અને અવારનવાર ખાધા કરતો હતો. મારું વજન પચીસ કિલો વધી ગયું હતું.

મારી મમ્મીને મારી ચિંતા થતી હતી. તેમણે ફૅમિલીના પંડિતજીને ઘરે બોલાવ્યા. તેમણે મને મળતાંની સાથે પૂછ્યું કે ખાના બનાતી હૈ તુમ્હારે લિએ? મેં તેમને હા કહ્યું ત્યારે પંડિતજીએ કહ્યું કે અપના અશુદ્ધ ખૂન મિલાતી હૈ ખાને મેં કાલા જાદુ કરને કે લિએ. જોકે હું કંગના વિરુદ્ધની કોઈ પણ બાબત સ્વીકારવા તૈયાર નહોતો.

એક વખત એવો હતો કે હું વાસ્તવિકતા સ્વીકારી શકતો નહોતો અને સતત દારૂના નશામાં રહેતો હતો. સલમાન ખાનના શો ‘દસ કા દમ’ના સેટ પર આવેલા એક પંડિતજી અન્ય વાતો પડતી મૂકીને વચ્ચે અચાનક કંગના સામે જોઈને બોલ્યા કે આપ પિશાચિની હૈં. પંડિતજીની એ કમેન્ટને જોક સમજીને કંગના હસતી હતી. એ ઘટનાનું નૅશનલ ટીવી-ચૅનલ પરથી પ્રસારણ થઈ ચૂક્યું છે.

એક ઇવેન્ટમાં જતા હતા ત્યારે કંગનાએ મારા ફાધરને ગંદી ભાષામાં ગાળો આપવા માંડી. એ પ્રસંગ મને પછીથી ખટકવા માંડ્યો હતો. તેને મારા ફાધરને ગાળો આપતી સાંભળવી અને રોજ રાતે તેની સાથે રહેવું એ મારા માટે શરમજનક બની ગયું હતું. અમે છૂટાં પડ્યાં ત્યાર પછી એ ઘટનાના અપરાધભાવમાંથી બહાર આવતાં મને પાંચ વર્ષ લાગ્યાં. હું મારા પેરન્ટ્સ માટે ગેરલાયક સંતાન સાબિત થયો હતો અને એ માટે મારી જાતને માફ કરી શકતો નહોતો.

જીવનમાં દરેક બાબતમાંથી શીખવાનું મળે છે. મને એક પ્રસંગ યાદ આવે છે. એ વખતે અમે કારમાં હતાં ત્યારે કંગના બીભત્સ ગાળો બોલતાં-બોલતાં મારી સાથે ઝપાઝપી કરતી હતી. કાર હોટેલ પર પહોંચી ત્યારે બહાર મીડિયાવાળાને જોઈને તે સાવ ડાહી થઈ ગઈ અને એકદમ નૉર્મલ વર્તન કરવા માંડી હતી. એ એકસાથે બે વિરોધાભાસી વ્યક્તિત્વો (સ્પ્લિટ પર્સનાલિટી) ધરાવતી વ્યક્તિ જોડે વાતો કરતા હોઈએ એવો અનુભવ હતો. એક તરફ ગંદી ગાળો અને બીજી બાજુ ‘બેબી આઇ લવ યુ સો મચ’ બોલવું એને સ્પ્લિટ પર્સનાલિટી નહીં તો બીજું શું કહેવાય?