26 October, 2025 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍક્ટર સતીશ શાહ અને તેમનાં પત્ની મધુ શાહ
લોકપ્રિય ઍક્ટર સતીશ શાહના અવસાનથી આખી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી શોકમાં છે. સતીશ શાહે પોતાની કરીઅરમાં ઘણા લોકપ્રિય શો અને ફિલ્મોમાં કામ કર્યું છે. સતીશ શાહના અવસાન પછી હવે તેમનાં પત્ની મધુ શાહ એકલાં પડી ગયાં છે. સતીશ શાહ અને મધુ શાહે ૧૯૭૨માં લગ્ન કર્યાં હતાં અને તેમણે સાથે ૫૩ વર્ષનું પ્રેમાળ લગ્નજીવન ગાળ્યું હતું. તેમને કોઈ સંતાન નથી. સતીશ શાહ અને મધુની રિયલ લાઇફ લવ-સ્ટોરી પણ બહુ રસપ્રદ છે. પહેલી મુલાકાતમાં જ પ્રેમ ૧૯૫૧ની પચીસમી જૂને જન્મેલા સતીશ શાહ કચ્છના માંડવીના વતની છે, જ્યારે મધુ ફૅશન-ડિઝાઇનર છે. સતીશ શાહ અને મધુની પહેલી મુલાકાત એક ફિલ્મ-ફેસ્ટિવલ દરમ્યાન થઈ હતી અને ત્યાં સતીશ શાહને મધુ પહેલી જ વખતમાં ગમી ગઈ હતી. એ પછી જ્યારે તેમણે મધુને લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્યારે મધુએ ના પાડી દીધી હતી. એ પછી સતીશે હાર ન માની અને થોડા દિવસ પછી ફરી પાછું પ્રપોઝ કર્યું, પરંતુ ત્યારે પણ મધુએ ના પાડી દીધી હતી. બે વખત રિજેક્શન પછી સફળતા મધુએ બે વખત પ્રપોઝલ રિજેક્ટ કરી દેતાં સતીશ શાહનું હૃદય તૂટી ગયું હતું, પરંતુ તેમણે એમ છતાં હાર નહોતી માની. એ પછી સતીશ શાહે મધુને ત્રીજી વખત પ્રપોઝ કર્યું. જોકે એ વખતે મધુએ તેમને પોતાનાં મમ્મી-પપ્પાને મળવા કહ્યું, કારણ કે તેઓ મમ્મી-પપ્પાની પરવાનગી પછી જ તેમની સાથે લગ્ન કરવા તૈયાર હતાં. ત્યાર બાદ સતીશે મધુનાં મમ્મી-પપ્પાને રાજી કર્યાં અને આખરે સગાઈના ૮ મહિના પછી ૧૯૭૨માં સતીશ અને મધુનાં લગ્ન થયાં હતાં.