મોગલો પર ૮ ચૅપ્ટર અને મોહેં-જો-દડો તથા હડપ્પા સભ્યતા પર માત્ર બે ચૅપ્ટર?

06 May, 2025 07:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું જ્યારે સ્કૂલમાં ઇતિહાસ ભણ્યો ત્યારે મોગલો પર ૮ ચૅપ્ટર અને મોહેં-જો-દડો તથા હડપ્પા સભ્યતા પર માત્ર બે ચૅપ્ટર, આ સિલેબસ કોણે નક્કી કર્યો? ઍક્ટર આર. માધવને આવો આકરો સવાલ કરીને કહ્યું કે હું મુશ્કેલીમાં ફસાઈ શકું છું

આર. માધવન

આર. માધવને સ્કૂલમાં ભણાવવામાં આવતા ઇતિહાસ વિશે આકરા સવાલ કર્યા છે. તેણે સવાલ કર્યો છે કે આ સિલેબસ કોણે નક્કી કર્યો? આ મુદ્દે માધવને કહ્યું હતું કે મને ખબર છે કે આવું કહીને હું મુશ્કેલીમાં ફસાઈ શકું છું, પણ મારે મારી વાત કહેવી છે. માધવને એક ઇન્ટરવ્યુમાં નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ (NCERT)ના ઇતિહાસના કોર્સ વિશે વાત કરી હતી. આ મુદ્દે માધવને કહ્યું હતું કે ‘આવું કહેવાથી હું મુશ્કેલીમાં પણ ફસાઈ શકું છું, પણ આ વાત હું જરૂર કહીશ. જ્યારે હું સ્કૂલમાં ઇતિહાસનો વિષય ભણતો હતો ત્યારે એમાં મોગલો પર આઠ ચૅપ્ટર હતાં, હડપ્પા સભ્યતા અને મોહેં-જો-દડો સભ્યતા પર માત્ર બે ચૅપ્ટર હતાં, બ્રિટિશ શાસન અને સ્વતંત્રતાસંગ્રામ પર ચાર અને દક્ષિણ ભારતનાં રાજ્યો પર માત્ર એક ચૅપ્ટર હતું. ચોલ સામ્રાજ્ય ૨૪૦૦ વર્ષ પ્રાચીન હતું, જ્યારે મોગલો અને અંગ્રેજોએ મળીને ભારતમાં ૮૦૦ વર્ષ શાસન કર્યું હતું. ચોલ વંશે જૈન, બૌદ્ધ અને હિન્દુ ધર્મને ચીન સુધી પહોંચાડ્યો હતો. કોરિયાની ભાષામાં આજે પણ તામિલ શબ્દો બોલવામાં આવે છે, કારણ કે ચોલ વંશનો સંબંધ કોરિયા સાથે હતો. આમ હોવા છતાં ચોલ વંશ વિશે માત્ર એક જ ચૅપ્ટર ભણાવવામાં આવે છે. આ ઇતિહાસનાં પુસ્તકો, સિલેબસ કોણે તૈયાર કર્યાં હતાં? આ બધું કોણે નક્કી કર્યું હતું?’

તામિલ ભાષા પર કર્યો સવાલ
તામિલ ભાષા વિશે વાત કરતાં માધવને કહ્યું હતું કે ‘તામિલ ભાષાને દુનિયાની સૌથી જૂની ભાષાઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે. એમ છતાં આપણે આ ભાષા વિશે જાણતા નથી. આપણા દેશની સંસ્કૃતિમાં છુપાયેલા વિજ્ઞાનને લોકો મજાક બનાવી રહ્યા છે.’

માધવને આ વાત એવા સમયે કહી છે જ્યારે NCERTએ સાતમા ધોરણના પાઠ્યપુસ્તકમાંથી મોગલોને લગતો એક મોટો હિસ્સો હટાવી દીધો છે.

r. madhavan central board of secondary education bollywood buzz bollywood news bollywood entertainment news