04 August, 2023 04:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જય ભાનુશાલી
જય ભાનુશાલીનું કહેવું છે કે તારા માટે હું મારો જીવ પણ આપી શકું છું. તારા તેની દીકરીનું નામ છે જેનો ગઈ કાલે જન્મદિવસ પણ હતો. તે હાલમાં ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 3’ને હોસ્ટ કરી રહ્યો છે. આ શોમાં સ્પર્ધક શિવાંશુ સોની અને કોરિયોગ્રાફર વિવેક ચચેરેએ ‘ઉડજા કાલે કાવાં’ પર પર્ફોર્મ કર્યું હતું. આ એપિસોડ ફીલિંગ્સ વિશે હતો. આથી જય ભાનુશાલીએ ઇમોશનલ થઈ તેની પત્ની માહી વિજ વિશેની વાત કરી હતી. આ વિશે વાત કરતાં જય ભાનુશાલીએ કહ્યું હતું કે ‘હું ક્લબિંગ માટે ગયો હતો ત્યારે હું માહીને મળ્યો હતો. હું માહી સાથે જ લગ્ન કરવા માગું છું એ જાણવા માટે મારી પાસે ત્રણ મહિના પૂરતા હતા. તે મારી પહેલી ગર્લફ્રેન્ડ હતી. મારો એક નિયમ હતો એવું કહી શકો કે હું એવી જ છોકરી સાથે રિલેશનશિપમાં આવીશ જેની સાથે મને લાગે કે હું લગ્ન કરી શકું એમ છું. ૨૦૦૯ની ૩૧ ડિસેમ્બરે મેં તેને પ્રપોઝ કર્યું હતું અને ૨૦૧૦માં અમે લગ્ન કરી લીધાં હતાં. મેં દરેકને ઇન્વાઇટ કર્યા હતા પરંતુ કોઈ નહોતું આવ્યું, કારણ કે તેમને લાગતું હતું કે હું કૅસાનોવા છું. તારા આવ્યા પછી મારા જીવવાનું તે કારણ બની ગઈ છે. ફિલ્મોમાં આપણે ઘણી વાર જોઈએ છીએ કે હીરો તેમની નિકટના લોકો માટે પોતાનો જીવ આપી દે છે. જોકે હું જ્યાં સુધી તારાને નહોતો મળ્યો ત્યાં સુધી મને એને એહસાસ નહોતો થયો. તેના માટે હું મારો જીવ પણ આપી શકું છું. મેં માહીની સામે મારી આ સાઇડ ક્યારેય નથી દેખાડી અને હું દેખાડવા પણ નથી માગતો.’