'મેહંદી' અને 'ફરેબ' જેવી ફિલ્મના અભિનેતા ફરાઝ ખાન ICUમાં

14 October, 2020 07:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'મેહંદી' અને 'ફરેબ' જેવી ફિલ્મના અભિનેતા ફરાઝ ખાન ICUમાં

તસવીર સૌજન્યઃ પુજા ભટ્ટનું ટ્વીટર અકાઉન્ટ

'મેહંદી' તથા 'ફરેબ' જેવી ફિલ્મના એક્ટર ફરાઝ ખાન બેંગલુરુની વિક્રમ હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ છે. પરિવારે એક્ટરની સારવાર માટે આર્થિક મદદ માગી છે. એક્ટ્રેસ પૂજા ભટ્ટે ટ્વીટ કરીને કહ્યું હતું, પ્લીઝ શૅર કરો અને શક્ય હોય તો યોગદાન કરો.'

રાઝના ફેમિલી મેમ્બર્સ ફહાદ અબાઉશર તથા અહદમ શમૂને એક ફંડ રાઈઝર વેબસાઈટના માધ્યમથી આર્થિક મદદની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું, 'મારો પ્રિય ભાઈ, મિત્ર તથા પ્રેમાળ કલાકાર આજે જીવન-મોતની વચ્ચે છે. તેણે અનેક વર્ષો કળા જગતને આપ્યા છે અને કેમેરાની સામે બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો છે, જોકે, આજે તેને તમારી મદદની જરૂર છે. મહેરબાની કરીને ફરાઝની સારવાર માટે પૂરતા પૈસા ભેગા કરવામાં અમારી મદદ કરો.'

પોસ્ટમાં ઉમેરવામાં આવ્યું કે, 'ફરાઝને છેલ્લાં એક વર્ષથી ઉધરસ તથા છાતીમાં ઈન્ફેક્શન હતું. હાલમાં જ ઉધરસ વધી ગઈ તો તેણે વીડિયો કૉલથી ડોક્ટર્સ સાથે વાત કરી હતી. આઠ ઓક્ટોબરે જ્યારે ડૉક્ટર્સે તેની હાલત જોઈ તો હોસ્પિટલમાં એડમિટ થવાની સલાહ આપી હતી. ત્યારબાદ અમે એમ્બ્યુલન્સ બોલાવી હતી. જોકે, પછી જે થયું તેનાથી અમે ડરી ગયા હતા. એમ્બ્યુલન્સ હજી તો રસ્તામાં હતી અને ફરાઝને ઘરે અટેક આવ્યો હતો. તે અચાનક બેકાબૂ થઈને હલવા લાગ્યો હતો. એમ્બ્યુલન્સ આવી અને સ્ટ્રેચરમાં ફરાઝને સૂવડાવવામાં આવ્યો ત્યારે તેને બીજો અટેક આવ્યો હતો. વિક્રમ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે રસ્તામાં ફરાઝને ત્રીજો અટેક આવ્યો હતો. હોસ્પિટલ આવ્યા બાદ અમને ખ્યાલ આવ્યો કે મગજમાં હર્પીઝનો ચેપ લાગ્યો હોવાને કારણે તેને અટેક આવતા હતા. ચેપ છાતીથી મગજ સુધી ફેલાઈ ગયો છે.'

ફરાઝ ખાન વિતેલા સમયના કેરેક્ટર આર્ટિસ્ટ યુસુફ ખાન ('અમર અકબર એન્થોની' ફૅમ જેબિસકો)નો દીકરો છે. તેણે રાની મુખર્જીની ફિલ્મ 'મેહંદી' (1998)માં લીડ પાત્ર ભજવ્યું છે.

bollywood pooja bhatt twitter