રાષ્ટ્રપતિભવનમાં આયોજિત ઍટ હોમ સમારોહમાં હાજરી આપીને અનુપમ ખેર અને માનસી પારેખ ગદ‍્ગદ‍

18 August, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાતી ઍક્ટ્રેસ અને સિંગર માનસી પારેખને પણ સ્વતંત્રતાદિવસે યોજાયેલા ‘ઍટ હોમ’ સમારોહમાં આમંત્રણ મળ્યું હતું

અનુપમ ખેરે હાલમાં સ્વતંત્રતાદિવસના અવસરે ૧૫ ઑગસ્ટે રાષ્ટ્રપતિભવનમાં આયોજિત ‘ઍટ હોમ’ સમારોહમાં હાજરી આપી હતી.

અનુપમ ખેરે હાલમાં સ્વતંત્રતાદિવસના અવસરે ૧૫ ઑગસ્ટે રાષ્ટ્રપતિભવનમાં આયોજિત ‘ઍટ હોમ’ સમારોહમાં હાજરી આપી હતી. આ સમારોહમાં ઘણા વિશેષ મહેમાનો હાજર હતા. અનુપમ ખેરે સન્માનજનક ક્ષણની કેટલીક તસવીરો શનિવારે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરી છે. અનુપમ ખેરે શૅર કરેલી તસવીરોમાં તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરતા જોવા મળે છે. આ બન્ને તસવીરોમાં ભારતીય પરંપરા અને સન્માનની ઝલક સ્પષ્ટ દેખાય છે. અનુપમ ખેરે આ તસવીરો સાથે એક ઇમોશનલ કૅપ્શન લખી છે, ‘માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી, મને ‘ઍટ હોમ’ સમારોહ માટે રાષ્ટ્રપતિભવનમાં આમંત્રિત કરવા બદલ આપનો આભાર. હું પોતાને ખૂબ સન્માનિત અને નસીબદાર અનુભવું છું. આ ભવ્ય અને સુંદર સમારોહ હતો. મને વિવિધ ક્ષેત્રોના મોટા લોકોને મળવાનો મોકો મળ્યો. ખૂબ આભાર. જય હિન્દ!’

માનસીને પણ સ્પેશ્યલ આમંત્રણ

ગુજરાતી ઍક્ટ્રેસ અને સિંગર માનસી પારેખને પણ સ્વતંત્રતાદિવસે યોજાયેલા ‘ઍટ હોમ’ સમારોહમાં આમંત્રણ મળ્યું હતું. આ સમારોહમાં હાજરી આપવાના પોતાના અનુભવ વિશે વાત કરતાં માનસી પારેખે પોસ્ટ કર્યું છે, ‘૧૫ ઑગસ્ટે રાષ્ટ્રપતિભવનમાં યોજાયેલા ‘ઍટ હોમ’ સમારોહમાં વિવિધ ક્ષેત્રોના ટોચના ૨૦૦ લોકોમાં પસંદગી પામવી એ એક સન્માન છે જેને હું હંમેશાં મારા હૃદયની નજીક રાખીશ. ઉચ્ચ સ્તરના રાજદ્વારીઓ, અર્જુન અવૉર્ડ વિજેતાઓ, રાષ્ટ્રીય અને વિશ્વ ઑલિમ્પિક ચૅમ્પિયન, પદ્‍મશ્રી વિજેતાઓ, વૈજ્ઞાનિકો, પત્રકારો... આ રૂમ ઊર્જા અને સિદ્ધિઓથી ભરેલી હતી. ભારતનાં રાષ્ટ્રપતિ અને વડા પ્રધાને અમને વ્યક્તિગત રીતે મળીને અમારું અભિવાદન કર્યું અને મારી સિદ્ધિઓ બદલ અભિનંદન આપીને ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી એ સમગ્ર અનુભવ અનોખો હતો. ૧૫ ઑગસ્ટને દિલ્હીમાં આવા ભવ્ય અંદાજમાં ઊજવવાનો અનુભવ અનોખો હતો. હું સાચે જ કૃતજ્ઞ છું! જય હિન્દ.’

anupam kher manasi parekh rashtrapati bhavan droupadi murmu indian government bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news