સ્વિગી દ્વારા મિસળ-પાઉં મગાવીને એમાં ઇન્વેસ્ટ કર્યું અને કમાયો અભિષેક બચ્ચન

17 February, 2026 09:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બિઝનેસ સમિટમાં અભિષેકે પોતાનાં રોકાણો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે...

અભિષેક બચ્ચનની ફાઇલ તસવીર

અભિષેક બચ્ચનની ગણતરી બૉલીવુડમાં ભલે ટોચના ઍક્ટર તરીકે ન થતી હોય પણ તેણે પોતાની મૂડીનું બહુ સમજદારીથી રોકાણ કર્યું છે. હાલમાં તેણે એક બિઝનેસ સમિટમાં ભાગ લીધો હતો અને પોતાની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રૅટેજી વિશે વાત કરી હતી. આ સમિટમાં અભિષેકે કહ્યું હતું કે તે જે વસ્તુઓ કે સર્વિસનો ઉપયોગ કરે છે એમાં જ રોકાણ કરે છે.

આ બિઝનેસ સમિટમાં અભિષેકે પોતાનાં રોકાણો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ‘હું ૨૦૧૯માં શરૂ થયેલી ભારતીય હૉટ સૉસ બ્રૅન્ડ નાગિન સૉસમાં ભાગીદાર છું. મેં એનો સ્વાદ ચાખ્યો અને મને એ બહુ ભાવ્યો. હું એનો નિયમિત ઉપયોગ કરું છું. અંતે મેં એના મૅન્યુફૅક્ચરર્સનો સંપર્ક કરીને પૂછ્યું કે શું હું આ બ્રૅન્ડ સાથે જોડાઈ શકું? એ સમયે કંપની પોતાના પ્રથમ ફન્ડિંગ રાઉન્ડ માટે રોકાણકાર શોધી રહી હતી અને હું એમાં ભાગીદાર તરીકે જોડાયો. આ રોકાણ મને ગર્વ આપે છે કારણ કે બ્રૅન્ડ ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે.’

આ સમિટમાં ચર્ચા દરમ્યાન અભિષેકે ખુલાસો કર્યો કે તેણે ક્વિક-કૉમર્સ કંપનીઓ સ્વિગી અને ઝેપ્ટોમાં પણ રોકાણ કર્યું છે. અભિષેકે કહ્યું કે સ્વિગી સાથે તેની ભાગીદારી મિસળ-પાંઉ પ્રત્યેના તેના પ્રેમને કારણે શરૂ થઈ. અભિષેકે કહ્યું કે ‘હું થાણેના મિસળને દુનિયાના શ્રેષ્ઠ મિસળ-પાંઉ માનું છું અને ઘણી વાર નાસ્તામાં મગાવું છું. એક દિવસ મેં સ્વિગીને ફોન કરીને પૂછ્યું કે તમે મને દર સવારે મિસળ-પાંઉ પહોંચાડો છો તો શું હું તમારી કંપનીમાં રોકાણ કરી શકું? હું આ કંપનીઓની સર્વિસ પર એટલો ખર્ચ કરતો હતો કે મને લાગ્યું કે હવે કંઈક પાછું આવવું જોઈએ. તેથી મેં એમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો અને એમાંથી નફો પણ મેળવ્યો.’

આ છે અભિષેકનો કિંગ લુક

હાલમાં અભિષેક બચ્ચને એક બિઝનેસ સમિટમાં ભાગ લીધો હતો અને એમાં તે સાવ અલગ જ લુકમાં જોવા મળ્યો હતો. આ સમિટમાં વાતચીત દરમ્યાન અભિષેકે સ્વીકાર્યું કે તેનો આ નવો લુક શાહરુખ ખાન સાથેની તેની આગામી ફિલ્મ ‘કિંગ’ માટે છે. આ સમિટના એક સેશન દરમ્યાન જ્યારે અભિષેકને તેના બદલાયેલા લુક વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્માઇલ સાથે જવાબ આપ્યો કે તેને ખુશી છે કે લોકો તેના લુકમાં થયેલા બદલાવને નોંધે છે. આ પછી અભિષેકે વિશેષ માહિતી આપતાં કહ્યું કે તે હાલમાં પોતાની નવી ફિલ્મ ‘કિંગ’નું શૂટિંગ કરી રહ્યો છે અને આ લુક એ ફિલ્મ માટે જ છે.  આ ફિલ્મનું નિર્માણ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એમાં શાહરુખ ખાન દીકરી સુહાના ખાન સાથે પહેલી વખત કામ કરી રહ્યો છે. હાલમાં તો  ‘કિંગ’ને ૨૪ ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.

abhishek bachchan king upcoming movie swiggy entertainment news bollywood bollywood news